વલસાડ પ્લેટફોર્મ ઉપર દુપટ્ટાની આડશ રાખીને મહિલાની સફળ ડિલિવરી કરાવાઇ

વલસાડ,

કહેવાય છે કે જીવન અને મરણ ભગવાનની મરજી પ્રમાણે જ થાય છે. આવી જ ઘટના વલસાડના પ્લેટફોર્મ ઉપર બની હતી. એક મહિલાના અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી અને તેના માટે ૧૦૮ની સેવા સંજીવની સાબિત થઈ હતી. વલસાડ જિલ્લાની નજીક આવેલી મહારાષ્ટ્ર બોર્ડર પાસેના બોઇસર પાસેની એક મહિલા ડિલીવરી કરાવવા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ રહી હતી. જોકે તેને એ દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિની પીડા ઉપડી હતી. ત્યારે ૧૦૮ની ટીમ દેવદૂત બનીને આવી હતી અને માતા તેમજ બાળકનો જીવ બચાવી લીધો હતો.

બોઇસરના સાયનાબેન પઠાણ ટ્રેન નંબર ૧૨૯૩૫ બાંદ્રા સુરત ઇન્ટરસિટીમાં પ્રસૂતિ માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ વાપી સ્ટેશન પસાર થતા જ તેમને લેબર પેન શરૂ થઈ ગયું હતું. આથી ટ્રેન દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવતા વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી . સ્ટેશન માસ્ટરે તાત્કાલિક ૧૦૮ની ટીમને વલસાડ રેલવે સ્ટેશન ખાતે બોલાવી લીધી હતી અને ટ્રેન ત્યાં પહોંચતા જ મહિલાના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી.

આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન સાયનાબેનની પીડામાં વધારો થતા નજીકની હોસ્પિટલમાં જવા જેટલો સમય પણ નહોતો ત્યારે ૧૦૮ની ટીમે સાયના બેનની તપાસ કરીને પ્રસૂતિની પીડા હોવાનું નિદાન કરીને યાત્રિકોની મદદ લઇને પ્લોટફોર્મ ઉપર જ સાયનાબેનની સફળ ડિલીવરી કરાવી હતી. હાલ માતા અને પુત્ર બંનેની તબિયત સ્થિર છે.