વલસાડ, મહેનતના રૂપિયાથી ખરીદેલી બાઈકની ચોરી થઈ જાય તો સામાન્ય માણસની મુશ્કેલી વધી જાય છે…કેમ કે આજકાલ સામાન્ય બાઈક પણ લાખોમાં વેચાઈ રહી છે…તેવામાં સતત વધી રહેલી બાઈકની ચોરીની ઘટનાએ પોલીસની નાકમાં દમ કરી નાખ્યો છે…વલસાડ જિલ્લાની વાત કરીએ તો પોલીસે એક રીઢા બાઈક ચોરની ધરપકડ કરી છે…દેખાવે આ ચોર સામાન્ય માણસ જ લાગશે પરંતુ આ શખ્સ લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું છે
જો કે એક દિવસ વલસાડ હાઈવે પર વાહનોની સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું…પોલીસને બાતમી મળી હતી કે બાઈક ચોર ત્યાંથી પસાર થશે…જેને પગલે પોલીસે ચોરીની બાઈકમાં જઈ રહેલા સિરાજ કાપડિયાને રોક્યો અને તેની પાસે બાઈકના દસ્તાવેજો માગ્યા…સિરાજ પાસે કોઈ જરૂરી કાગળ ન હોવાથી પોલીસે તેને ઝડપી લીધો…રીઢો બાઈક ચોર ઝડપાઈ જતા વલસાડ પોલીસને જાણે બગાસું ખાતા પતાસુ મળી ગયું…
પોલીસે ઝડપેલા આ બાઈક ચોર પાસેથી ચોરી કરેલી ૬ બાઈક મળી આવી છે…સાથે જ તેના પાસેથી ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે…પોલીસ તપાસમાં સામે આવ્યું કે સિરાજ કાપડિયાએ રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રોલ, વાંકાનેરમાં અનેક ગુનાને અંજામ આપ્યો છે…સુરેન્દ્રનગર પોલીસના ચોપડે સિરાજનું નામ હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલું છે…રાજકોટ અને સુરેન્દ્રનગરમાં માથાનો દુખાવો બનેલા સિરાજ કાપડિયા વિરુદ્ધ ૨૩થી વધુ બાઈકની ચોરીના ગુનાઓ નોંધાયેલા છે…સૌરાષ્ટ્ર પોલીસની ભીંસ વધતા સિરાજ વલસાડ તરફ આવી ગયો અને અહીં બાઈકની ચોરી કરવાનું શરૂ કર્યું..
પોલીસ તપાસમાં સામે આવ્યું કે જ્યારે પણ સિરાજ પોલીસના હાથે ઝડપાઈ જતો, ત્યારે તે થોડો ટાઈમ શાંત થઈ જતો હતો…અને વળી પાછો વિસ્તાર બદલીને ચોરીને અંજામ આપતો હતો…જો કે તે ઝડપાઈ જતા બાઈક ચોરીની ઘટનાઓને રોકવામાં પોલીસને સફળતા મળી છે…હાલ તો પોલીસે સિરાજને જેલ હવાલે કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે…રિમાન્ડમાં હજુ કેટલા ગુના નોંધાશે તે જોવું રહ્યું.