વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસના રીસામણા બાદ ફરી વરસાદ મનમુકીને વરસ્યો હતો. વલસાડ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.તાલુકાના વલસાડ,હનુમાનભાગડા ,કોસંબા,ભગડાવડા,પારડી સાંઢપોર સહિતના વિસ્તારોમાં પવન સાથે મેઘસવારી આવી પહોંચી હતી. પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ચાર દિવસ થી છૂટોછવાયો વરસાદ વરસતો હતો પણ આજે ધોધમાર વરસાદ નોંધાયો હતો. વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વલસાડ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી હતી. વલસાડ શહેરના છીપાવાડ,દાણા બજાર, વલસાડ શહેર થી ખેરગામ તાલુકાને જોડતો અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા