વલસાડમાં પાડોશીઓ જ આધેડને બાઇક પર બેસાડીને ઘાતકી હત્યા કરી નાંખી

વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક કોતરમાંથી મળેલા આધેડના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. પડોશીઓ જ હત્યારા નીકળ્યા હોવાનો ખુલાસો થયો છે. જમીન વિવાદ અને જૂની અદાવતમાં પડોશી પિતા પુત્ર દ્વારા જ કરપીણ હત્યા કરી મૃતદેહને કોતરમાં ફેંકી દીધો હતો.

બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ગામ નજીક એક કોતરમાંથી એક આધેડનો મૃતદેહ મળ્યો હતો. શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહને કારણે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ નાનાપોન્ઢા પોલીસ અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરતા  પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક કપરાડાના જ ઓઝરડા ગામના રહેવાસી રામાભાઇ વાઘાત હતો.

પોલીસે તે દિશામાં તપાસ કરતાં ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી અને આધેડ રામભાઈના મોતનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં જે હકીકત બહાર આવી તે જાણી ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી. કારણ કે, હત્યારા કોઈ અન્ય નહીં પરંતુ તેમના જ પડોશી નીકળ્યા હતા. રામભાઈના પાડોશી તુરજી મનશું વઘાત  અને તેનો પુત્ર ચેતન વઘાત દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

લાશને કોતરમાં નાંખી બંને આરોપી ફરાર થઇ ગયા હતા. નાનાપોન્ઢા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક રામભાઇ અને આરોપી તુરજી પડોશીઓ હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને પરિવારો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. બે મહિના અગાઉ આરોપીઓના ઘરના વૃક્ષની ડાળી મૃતકના ઘરના બાથરૂમ પર પડી હતી. આથી મૃતકે બાથરૂમ પર પડેલી ઝાડની ડાળીને કાપી નાખી હતી.

ત્યારથી વિવાદ વધુ વકર્યો હતો અને પડોશી પિતા પુત્ર અને સાગરીતોએ મળી આયોજન પૂર્વક મૃતકને મોપેડ પર બેસાડી અધવચ્ચે જઈ પથ્થર મારીને તેમની હત્યા કરી મૃતદેહને ફેંકી દીધો હતો. પાડોશી તુરજી મનશું વઘાત અને તેનો પુત્ર ચેતન વઘાત અને તેના 3 સાગરીતો સહિત કુલ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે .