વલસાડમાં બેફામ ટેમ્પો ચાલકે એક સાથે ચાર વાહનોને લીધા અડફેટે, બેના મોત

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પારડીના મોતીવાળા ફાટક પાસે એકસાથે 4 વાહનો અથડાયાં હતાં. ટેમ્પોચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક અને રિક્ષાને અડફેટે લીધા હતા. જે બાદ વાહનો એક ટ્રકમાં ઘૂસી ગયાં હતાં. આ અકસ્માતમાં બાઈકમાં સવારમાં ત્રણ લોકોમાંથી બે લોકોના મોત થયાં છે. તેમજ બે લોકોને ઈજા પહોંચી છે.

પારડીના મોતીવાળા ફાટક પાસે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બેફામ સ્પીડે આવતો ટેમ્પો બાઈક અને રિક્ષાને અડફેટે લઈ ટ્રકમાં ઘૂસી ગયો હતો. જેથી બાઈકમાં સવાર 2 લોકોના મોત થયા હતા. તેમજ બાઈક સવાર અન્ય એક વ્યક્તિ અને રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. આ અકસ્માતનાં ભયંકર દ્દશ્યો પણ સામે આવ્યાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે, તમામ વાહનો એકબીજા સાથે ચીપકી ગયાં હતાં. જે ચીપકેલાં વાહનોને ક્રેઈનની મદદથી અલગ કરવામાં આવ્યાં હતાં. ટ્રકના વ્હીલમાં બાઈક ફસાઈ ગઈ હતી. બાઈક, ટેમ્પો અને રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો.

વલસાડના પારડીમાં અકસ્માત સર્જાતા અન્ય વાહનચાલકો તેમજ સ્થાનિકો ઊમટી પડ્યા હતા. સ્થાનિકોએ ટેમ્પોચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પારડી પોલીસે હાલ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની ઘટનાને લઈ એક સ્થાનિકે જણાવ્યું કે, ટેમ્પો પૂરઝડપે આવ્યો અને બાઈક સવાર લોકોને ઉડાડ્યા હતા. બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત છે.