વલસાડમાં એરપોર્ટ પરથી મિત્ર લઇને આવતી કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ, એકનું મોત

વલસાડ,

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ નજીક રોલા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ તરફથી સુરત તરફ જઈ રહેલી ઇકો કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી.પરિણામે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી. જેમાં કારચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતનો ભોગ બનનાર કારમાં સવાર તમામ ભરૂચના રહેવાસી હતા. સાઉથ આફ્રિકાથી પરત ફરી રહેલા એક મિત્રને લઈને મિત્રો ભરૂચ તરફ પરત ફરી રહ્યા હતા. એ વખતે જ વલસાડના રોલા નજીક આ ઘટના બનતા એક મિત્રનો જીવ ગયો હતો.

અકસ્માત બાદ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના વાહન વ્યવહારને પણ બે કલાક સુધી અસર થઈ હતી. જોકે, ડુંગરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહન વ્યવહાર યથાવત કરવા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ ભરૂચના જંબુસર ખાતે રહેતા દહેગામના ડેપ્યુટી સરપંચ બીલાલ મલેક અને રાજૂભાઈ ફતેહસિંહ પરમાર એમના મિત્ર સકીલ મલેકને મુંબઈ એરપોર્ટ પર લેવા ગયા હતા. સકિલ મલેક સાઉથ આફ્રિકાથી પરત ફર્યા હતા. મુંબઈ એરપોર્ટથી સકિલ મલેકને લઈ ભરૂચ જંબુસર જઈ રહ્યા હતા.

જે દરમિયાન વલસાડના ડુંગરી નજીક આવેલા રોલા ગામના નેશનલ હાઇવે નં ૪૮ ઉપર પહેલા ટ્રેક પર ચાલતી ટ્રકના પાછળના ભાગે પુરપાટ દોડતી ઈકો કાર ધડાકા ભેર અથડાઇ હતી.

ઈકો કાર હાઈવે ઉપર પલટી મારી જતાં રસ્તાની ડાબી બાજુ આવી પહોચી હતી. જેમાં ઈકો કારના ચાલક બીલાલ યુસુફ મલેક ગંભીર રીતે ઘાયલ થયો હતા. બાજુમાં બેઠેલા અને સાઉથ આફ્રિકાથી પરત ફરેલા સકીલ મલેકને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પાછળની સીટ પર સૂતેલા રાજૂભાઈ પરમારને માથાના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી અકસ્માતની ઘટનામાં ઈકો કારમાં એરબેગ ફાટી ગયા હતા. કારમાં ભારે નુક્સાની સર્જાઈ હતી.

અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. ઘટનામાં એક નું મોત નિપજ્યું હતું.જ્યારે આફ્રિકાથી પરત ફરેલા સકીલ મલેકને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી એક આંખ ગુમાવાનો વારો આવ્યો હતો. ઘટનામાં રાજૂભાઈ પરમારને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.