વલસાડમાં ૪ મહિનાના લગ્ન જીવનમાં ખટાસ આવતા પતિએ જ પત્નીની હત્યા કરી !

વલસાડ, વલસાડ શહેરમાં ૪ મહિનાના લગ્ન જીવન બાદ પતિ-પત્ની વચ્ચે ચાલતા અણબનાવનો કરૂણ અંજામ આવ્યો છે. છૂટાછેડા ન આપતા પતિએ જ પોતાની પતિની હત્યા કરી નાખી છે, ત્યારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અનિલ રાઠોડ નામના વ્યક્તિની ઘરમાં તેમની દીકરી જિજ્ઞાનો મૃતદેહ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. નાની મોટી મજૂરી કામ કરતાં અનિલભાઈ તેમની પત્ની અને ૨ દીકરી જિજ્ઞા અને અને કાજલ સાથે સુખી જીવન ગાળતા હતા, ત્યારે ૪ મહિના અગાઉ તેમની મોટી દીકરી જિજ્ઞાએ પાલણ ગામના વૈભવ નાયકા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, વૈભવના પરિવારે જીજ્ઞાને સ્વીકારી ન હતી. જેના કારણે જિજ્ઞા હાલ તેના પિતાના ઘરે રહેતી હતી, અને એક કંપનીમાં નોકરી કરી પિતાને મદદ કરતી હતી. અચાનક બપોરના સમયે પિતા જ્યારે ઘરની બહાર ગયા, ત્યારે દીકરી જિજ્ઞા અને જમાઈ વૈભવ ઘરમાં હાજર હતા. ૨ કલાક બાદ જ્યારે પિતા ઘરે પરત ફરતા જાણવા મળ્યું કે, જીજ્ઞા કઈ બોલતી નથી અને બેભાન હાલતમાં ઘરમાં પડી છે, ત્યારે પરિવાર તાત્કાલિક જિજ્ઞાને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં કસ્તુરબા હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે વલસાડ સીટી પોલીસે પિતાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.

જોકે, પ્રાથમિક રીતે જિજ્ઞાના શરીર પર જોવા મળતા મારના નિશાનથી તેની હત્યા થઈ હોય તેવું ચાડી ખાઈ રહ્યા હતા. પોતાના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જીજ્ઞાના મોતને લઈને વલસાડ શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવના સમયે જીજ્ઞા તેના પતિ વૈભવ સાથે ઘરમાં હાજર હતી. જેના કારણે શહેર પોલીસે સૌપ્રથમ વૈભવની પૂછપરછ કરી કરી હતી. શરૂઆતમાં વૈભવ પોતાને નિર્દોષ જણાવી રહ્યો હતો, અને પોતે કશું ન જાણતો હોવાનો રાગ આલાપી રહ્યો હતો. જોકે પોલીસે કરેલી કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો, અને પોતે જ પત્ની જીજ્ઞાની ગળું દબાવીને હત્યા કરી હોવાનો એકરાર કર્યો હતો. વૈભવના પરિવારે જીજ્ઞાને ન સ્વીકારતા ૪ મહિનાના લગ્ન જીવનમાં ખટાસ આવી ગઈ હતી. બન્ને પતિ પત્ની વચ્ચે અનેકવાર ઝઘડા પણ થતા હતા. તો પતિ વૈભવને પત્ની જીજ્ઞાના ચારિત્ર પર પણ શંકા હતી. જેથી વૈભવ પત્ની જીજ્ઞા સાથે છૂટાછેડા લેવા માગતો હતો. પરંતુ જીજ્ઞા આ મામલે મચક આપતી નહોતી. જેથી બનાવના દિવસે બન્ને વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી, અને ત્યારબાદ આવેશમાં આવીને વૈભવે પત્ની જીજ્ઞાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, ત્યારે નાનકડા ગુસ્સા અને શંકાના કારણે ૨ પરિવાર બરબાદ થઈ ગયો છે.