વલસાડ: ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આતંક મચાવતી ધોત્રે ગેંગ આખરે વલસાડ જિલ્લા એલસીબી પોલીસના હાથે લાગી છે. રૂપિયા 9 લાખથી વધુના રોકડ રકમ સાથે ધોત્રે ગેંગના બે સાગરીતો પોલીસના હાથે લાગતા એક જ ઝાટકે વલસાડ એલસીબી પોલીસે 16થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ગુજરાતના છેવાડે આવેલા વલસાડના ઉમરગામ તાલુકો અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રની હદ પર છેલ્લા કેટલાક સમયથી ચોરીઓની ઘટના વધી રહી હતી. મોટેભાગે દિવસે જ થતી ઘરફોડ ચોરીઓને કારણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા હતા.
આથી વલસાડ જિલ્લા પોલીસે દિવસે તરખાટ મચાવતી ગેંગને ઝડપવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તારમાં ગુનાઓને અંજામ આપનાર કુખ્યાત ધોત્રે ગેંગના બે સાગરૂતોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 9 લાખ રોકડા મળી અંદાજે કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે ધોત્રે ગેંગના રામ ઉર્ફે બુઢ્ઢા ચેનપ્પા ધોત્રે અને રમેશ ધોડી નામના આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા હતા. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે આરોપીઓને ઝડપ્યા બાદ એક ઝાટકે 16થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
પોલીસ તપાસમાં આરોપી ધોત્રે ગેંગની મોડસ ઓપરેન્ડી બહાર આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ગુનાઓની દુનિયાની કુખ્યાત એવી ધોત્રે ગેંગ રાત્રે નહીં પરંતુ ધોળે દિવસે જ ચોરી કરતી હતી.
આ ગેંગ મોટેભાગે ગુજરાતના ઉમરગામ અને મહારાષ્ટ્રના હદના આજુબાજુના વિસ્તારમાં જ રેકી કરી ઘર બંગલા અને ફાર્મ હાઉસને નિશાન બનાવતા હતા. આમ દિવસે ધોળે દિવસે ચોરી કરી તરખાટ મચાવતા વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. હવે આરોપી ઝડપાયા બાદ પોલીસની આગવી ઢબે પૂછપરછમાં હજુ અનેક ભેદ ઉકેલવાની છે શક્યતા જોવાઈ રહી છે.