તરભ ગામે શ્રી વાળીનાથ અખાડામાં નવનિર્મિત ભવ્ય શિવાલયના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ચાર દિવસમાં ૯.૯૫ લાખ ભાવિકો ઉમટ્યા હતા. ૧૧૦૦ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞ, શિવ મહાપુરાણ કથા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સંતોના આશીર્વચનનો લાભ લઈને ભાવિકો ધન્ય બની રહ્યા છે.
શ્રી વાળીનાથ અખાડા-તરભ ખાતે નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર અતિ પાવન કલ્યાણકારી મહાશિવલિંગની સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ કરાયો હતો. જેની સાથે ગિરીબાપુના મુખેથી શિવ મહાપુરાણ કથા પણ રોજ સવારે યોજાઈ રહી છે. તો વાંસની વિશાળ યજ્ઞશાળામાં રવિવારેથી ૧૧૦૦૦ કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરાયો છે. રોજે રોજ યોજાતા ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા તેમજ સંતો-મહંતોની વાણીનો લાભ પણ ભાવિકોને મળી રહ્યો છે. લાખો ભાવિકો માટે ભોજન પ્રસાદ માટેની પણ સારી વ્યવસ્થા સ્વયંસેવકો સંભાળી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ચોતરફ ચુસ્ત બંદોબસ્તની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્ય લક્ષી સેવાની વ્યવસ્થા કરાઈ છે. છેલ્લા ચાર દિવસમાં માલધારી સમાજ સહિત ૯.૯૫ લાખ જેટલા ભાવિકો ઉમટી પડ્યા છે.