વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ: વડાપ્રધાન મોદી માટે ખાસ તૈયારીઓે

ગાંધીનગર, વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના પ્રધાનો સહિત ભારતના સંતો-મહંતો તરભ વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેનાર છે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.સૌથી પહેલા વાત કરીએ હેલિપેડની તો વાળીનાથ મંદિર બહાર ૪ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેના પર હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ પણ કરાયું છે. ૨૨ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી આ જ હેલિપેડ પર ઉતરાણ કરશે.

તો, મોટી હસ્તીઓના આગમનને લઇ વાળીનાથ મંદિરમાં વિશેષ તૈયારી કરાઇ છે. આ સાથે, વડાપ્રધાન મોદીના સંબોધન માટેનો સભાસ્થળ પણ તૈયાર કરી દેવાયો છે. વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે અનો લોકોનું અભિવાદન ઝીલશે. તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે. આ દરમિયાન વડાપ્રધાન ૮ હજાર કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવાના છે.મહત્વનું છે, ૨૨ ફેબ્રુઆરીના કાર્યક્રમ માટે વિશેષ ૨૭ કમિટી બનાવાઇ છે.તો, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ, ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે ૪૦૦ સરકારી બસો અને ૧૦૦ ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ છે. ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા ૨૨ ફેબ્રુઆરી સુધી ચાલશે. તો, અત્યાર સુધી લાખો ભક્તો ભગવાનના દર્શનનો લાભ પણ લઇ ચૂક્યા છે.