વકીલાતની સનદ પેટે રૂ.૭૫૦ની રકમ જ વસૂલી શકાશે, તેનાથી વઘુ નહીં,સુપ્રીમ કોર્ટ

  • વિવિધ રાજ્યોમાં સનદ પેટે રૂ. ૨૫થી ૪૦ હજાર સુધીની ફી વસૂલાય છે.

સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, કાયદાશાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂ.૭૫૦ અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ.૧૨૫થી વઘુ ના હોઇ શકે.

ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હવેથી જે તે સ્ટેટ બાર કાઉન્સીલ વકીલાતની સનદ માટે પરચૂરણ ફી, સ્ટેમ્પ ડયુટી કે અન્ય શુલ્કના શીર્ષક હેઠળ કાયદામાં નિદિષ્ટ રકમ કરતાં કોઇપણ વઘુ રકમ વસૂલી શકશે નહી. સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા એડવોકેટ્સ એકટની કલમ-૨૪(૧)(ક) હેઠળ નિદષ્ટ રકમ કરતાં વઘુ રકમના રોલમાં વકીલોને સનદ આપવા માટે કોઇપણ વધારાની રકમ વસૂલી શક્તા નથી.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું કે, એડવોકેટ એકટ-૧૯૬૧ની કલમ-૨૪(૧)(ક) અંતર્ગત સ્ટેટ બાર કાઉન્સીલ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને ચૂકવવાપાત્ર એનરોલમેન્ટ ફી(નોંધણી ફી) જનરલ કેટેગરીના એડવોકેટ માટે રૂ.૭૫૦ અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ.૧૨૫ નિર્ધારિત કરાયેલી જ છે., તેનાથી વઘુ રકમ એનરોલમેન્ટ ફી પેટે સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા વસૂલી શકે નહી.

અમદાવાદના એડવોકેટ પરમ દવે તથા જુદા જુદા રાજયોના વકીલો ગૌરવ શર્મા તથા અન્યો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓની સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશના વકીલોને અસર થાય તેવો રાહતર્ક્તા ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે વઘુમાં જણાવ્યું હતું કે, દેશના જુદા જુદા રાજયોમાં વિવિધ બાર કાઉન્સીલ દ્વારા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે રૂ.૨૫ હજારથી લઇ રૂ.૪૦ હજાર સુધીની મનસ્વી એનરોલમેન્ટ ફી ઉઘરાવાઇ રહી હોવાનું સામે આવ્યું છે. પરંતુ સંસદે એનરોલમેન્ટ ફી એક વખત નિર્ધારિત કરી હોય તેનું જે તે સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ઉલ્લંઘન કરી શકે નહી.

કલમ-૨૪(૧)(ક) એક રાજકોષીય નિયમનકારી જોગવાઇ હોવાથી તેનું ચુસ્તપણે અર્થઘટન કરવું જોઇએ અને સંસદે તેની સાર્વભૌમ સત્તાના ઉપયોગ માટે રકમ નિર્ધારિત કરી હોવાથી સ્ટેટ બાર કાઉન્સીલ અથવા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા પ્રતિનિધિ તરીકે કાયદા હેઠળ સંસદ દ્વારા નિર્ધારિત રાજકોષીય નીતિમાં ફેરફાર કરી શકે નહી.

સુપ્રીમ કોર્ટે ખાસ નોંધ્યું હતું કે, વકીલાતની સનદ માટે વઘુ પડતી એનરોલમેન્ટ ફી વસૂલવાથી ખાસ કરીને હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગના લોકો માટે તેમના વ્યવસાયને આગળ ધપાવવામાં અવરોધ સર્જાય. કાયદામાં નિર્ધારિત રકમ કરતાં કોઇપણ વધારાની વસૂલાત એ બંધારણની કલમ-૧૯(૧)(ડી) અને વ્યવસાયિતાના અધિકારના ભંગ સમાન કહી શકાય.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અત્યાર સુધી સ્ટેટ બાર કાઉન્સીલોએ સનદ પેટે વકીલો પાસેથી વૈધાનિક રકમ કરતાં વધુ એકત્ર કરાયેલ નોંધણી ફી પરત કરવાની જરૂર નથી. સ્ટેટ બાર કાઉન્સીલે આ રકમ રિફંડ કરવાની કોઇ જરૂર નથી. પરંતુ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે કાયદામાં નિદષ્ટ ઉપરોક્ત રકમ જ ઉઘરાવી શકશે.

આ મામલે દેશની જુદી જુદી હાઇકોર્ટમાં પણ રિટ અરજીઓ થઇ હતી અને બાદમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ તમા મેટરો સુપ્રીમકોર્ટમાં ટ્રાન્સફર કરવા અને સુપ્રીમકોર્ટ જ સાંભળે તે માટેની પિટિશન કરી હતી, જે સુપ્રીમ કોર્ટે સાંભળી લંબાણપૂર્વકની સુનાવણીના અંતે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

સુપ્રીમકોર્ટના આ મહત્ત્વના ચુકાદાની અસરો વિશે પૂછતાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના આ ચુકાદાથી નવા એનરોલ થનારા વકીલોને બહુ મોટી રાહત મળી છે. દેશની કોઇપણ સ્ટેટ બાર કાઉન્સીલ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે માત્ર રૂ.૭૫૦ જ એનરોલમેન્ટ ફી પેટે ઉઘરાવી શકશે.

સ્ટેટ બાર કાઉન્સીલની આવક પર આ નિર્ણયની સીધી અસર થશે. જો કે, સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સીલ વકીલો માટે કામ કરતી માતૃ સંસ્થા હોઇ અન્ય શુલ્ક લેવાની સ્વતંત્રતા ધરાવતી હોવાનું સ્પષ્ટ કર્યું છે. પરંતુ એનરોલમેન્ટ ફી પેટે હવે કોઇપણ શીર્ષક હેઠળ વધારાની રકમ વસૂલી શકશે નહી. નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતમાં રૂ.૨૫ હજાર જેટલી ફી વસૂલાય છે.