વકિલની ચેમ્બરમાં થયેલા લગ્ન પણ કાયદેસર: સુપ્રિમ કોર્ટ

જીવન સાથીની પસંદગી મૌલિક અધિકાર છે અને વકીલોની ચેમ્બરમાં થતા લગ્નો પણ કાયદેસર જ હોવાનો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ એસ.રવિન્દ્ર ભટ્ટ તથા અરવિંદકુમારની બેંચે ચુકાદામાં કહ્યું કે લગ્ન કરવા ઈચ્છતા યુવક-યુવતીને અનેક કિસ્સામાં પારિવારીક વિરોધ રહેતો હોય છે

તેમજ વ્યકિતગત સુરક્ષા જેવા કારણો પણ હોય છે અને આ કારણે લગ્ન જાહેર કરવામાંથી બચી શકે છે. લગ્ન જાહેર કરવાથી જીવન પર જોખમ ઉભૂ થઈ શકતુ હોય છે અદાલતે ચુકાદામાં વિભિન્ન ઉદાહરણ ટાંકતા કહ્યું કે અનુચ્છેદ-21 હેઠળ જીવન સાથીની પસંદગીનો મૌલિક અધિકાર આપવામાં આવ્યો છે.

તામીલનાડુમાં હિન્દુ લગ્ન કાયદામાં સુધારો કરીને કલમ 7એ આવી હતી. તેમાં વિવાહ, પ્રણાલી, સંબંધીત કેસમાં સુપ્રિમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. કલમ 7એ હેઠળ હિન્દુ યુવક-યુવતી પોતાના મિત્રો-સબંધીઓ કે અન્ય વ્યકિતઓની હાજરીમાં રીતિરિવાજો વિના અથવા કોઈ પુજારી દ્વારા લગ્નની જાહેરાત વિના વિવાહ કરી શકે છે. આ કાયદા અંતર્ગત વકીલોની ચેમ્બરમાં થયેલા લગ્ન હિન્દુ વિવાહ અધિનિયમ 1955 હેઠળ ગેરકાયદે હોવાનો મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો તે સર્વોચ્ચ અદાલતે રદ કર્યો છે.

મદ્રાસ હાઈકોર્ટે 2014 માં આપેલા ચુકાદામાં એમ કહ્યું હતું કે વકીલો દ્વારા કરાવાતા લગ્નો કાયદેસર નથી અને સ્વાભિમાન વિવાહને ગુપ્ત સ્વરૂપે યોજી ન શકાય. આ પછી 5 મે 2023 ના રોજ મદ્રાસ હાઈકોર્ટે આવા લગ્ન પ્રમાણપત્ર પર ભરોસો કરવાનો ઈન્કાર કરી દીધો હતો. મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. દરેક વિવાહ સાર્વજનિક યોજવાનાં હાઈકોર્ટનાં ચુકાદાને રદ કરીને એમ કહ્યું હતું કે વકીલ વ્યકિતગત રીતે પણ લગ્ન કરાવી શકે છે.