થાનમાં કોલસાની ગેરકાયદેસર ખાણમા બ્લાસ્ટિંગ દરમિયાન એક શ્રમિકનું દટાઈ જતા મૃત્યુ નિપજ્યાની ઘટના વચ્ચે વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટીંગ કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે મોરબી એસઓજી ટીમે સ્પેશિયલ ઓપરેશન કરી બે દિવસની સતત મહેનત બાદ ચાર ખાણ માફીયાઓને ૧૧૬૧ કિલોગ્રામ વિસ્ફોટકોના જથ્થા સાથે ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે, બીજી તરફ આટલો મોટો વિસ્ફોટકોનો જથ્થો ક્યાંથી આવ્યો તે પણ એક મોટો સવાલ છે.
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં કોલસાની અને વાંકાનેર તાલુકામાં પથ્થરની ગેરકાયદેસર ખાણોમા બેફામ બ્લાસ્ટિંગ થતા હોય રેન્જ આઈજી દ્વારા ગેરકાયદેસર રીતે વિસ્ફોટક સામગ્રીથી બ્લાસ્ટિંગ કરતા તત્વો ઉપર તૂટી પડવા આદેશ કરતા મોરબી એસઓજી ટીમ હરક્તમાં આવી હતી અને એસઓજીએ બાતમી મળી હતી કે વાંકાનેરના તરકીયા ગામની સીમમાં મોટા પ્રમાણમાં બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી સાથે પથ્થર કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સચોટ બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડા પાડતા તરકિયા ગામની સરકારી સર્વે નંબર ૧૬૩ પૈકી ૧ પૈકી ૨૪ની વિશાળ સરકારી ખરાબાની જમીનમાં આરોપી મુન્નાભાઇ વલુભાઈ બાંભવા રહે-તરકીયા તા.વાંકાનેર, પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ રહે મેસરીયા તા.વાંકાનેર, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા રહે જાનીવડલા તા. ચોટીલા તથા રણુભાઇ બાલાભાઇ બાંભવા રહે તરકીયા તા.વાંકાનેર નામના ચાર શખ્સોએ ખરાબાની જમીનમાં ૪૫ ફૂટ ઊંડા ૫૭ જેટલા બોર કરી તે પૈકીના ૧૪ બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર ઉતારી બ્લાસ્ટ કરવા તૈયાર રાખેલ હોવાનું સામે આવ્યુ હતું.
સતત બે દિવસ સુધી એસઓજી ટીમના ઓપરેશન બાદ આરોપી મુન્નાભાઇ વલુભાઇ બાંભવા, પ્રદીપભાઇ આલકુભાઈ ધાધલ, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા અને રણુભાઇ બાલાભાઈ બાંભવાના કબ્જામાંથી પોલીસે બીઝાસન કંપનીની ૨.૭૮ કિલોની એક એવી ૪૧૮ જીલેટિન સ્ટીક કિંમત રૂપિયા ૯૨૭૯૬ વજન ૧૧૬૧ કિલો, ઇલેકટ્રોનીક ડીટોનેટર ૫૦ નંગ કિંમત રૂપિયા ૭૪૪૦, ટીએલડી વાયર નંગ-૯૦ કિંમત રૂપિયા ૩૬૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ-૫ કિંમત રૂપિયા ૨૫૦૦૦ સહિત કુલ રૂપિયા ૧,૨૮,૮૩૬નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિશાળમાત્રામાં વિસ્ફોટકો ઝડપાઇ જવાના કિસ્સામાં મોરબી એસઓજી ટીમે આરોપી લોમકુભાઈ માનસીભાઈ ખાચર રહે.મેસરિયા અને દેવાયતભાઈ ડાંગર રહે.બેટી તા.મોરબી વાળાંના નામ ખુલતા બન્ને આરોપીઓને ફરાર દર્શાવી વિસ્ફોટકો ક્યાંથી લાવવામાં આવ્યા તે સહિતની બાબતોને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સફળ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર એસ.એચ.સારડા, એસઓજી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એમ.એસ.અંસારી સહીતના સ્ટાફે કરી હતી.