નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે જાન્યુઆરીના બીજા સપ્તાહથી વૈવાહિક બળાત્કારના મુદ્દા પર દાખલ અરજીઓની સુનાવણી શરૂ કરશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે આઇપીસીની કલમ ૩૭૫ની બંધારણીય માન્યતાની તપાસ કરશે, જે વૈવાહિક બળાત્કારને અપરાધ ગણાવે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કોર્ટમાં નવી રિટ અરજી દાખલ કર્યા બાદ આ નિર્દેશો આપ્યા હતા. વરિષ્ઠ વકીલ સીયુ સિંહે બેન્ચને કહ્યું કે આ મામલે અલગ-અલગ અરજીઓ સુપ્રીમ કોર્ટની અલગ-અલગ બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે અને તેની સુનાવણી એક બેન્ચ દ્વારા થવી જોઈએ.
નોંધપાત્ર રીતે, બે જજની બેન્ચે દિલ્હી હાઈકોર્ટમાં વૈવાહિક બળાત્કાર અંગે વિભાજિત ચુકાદો આપ્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ સિવાય કર્ણાટક હાઈકોર્ટે એક કેસમાં પોતાની પત્ની પર બળાત્કારના દોષિત પુરૂષને સજા સંભળાવી હતી. આ નિર્ણય સામે પણ કેટલીક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
જ્યારે એડવોકેટ કરુણા નંદી દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે દાખલ કરાયેલી અરજીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જ્યારે ઈન્દિરા જયસિંહ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાના વકીલ છે. બંને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. આ પછી જ બેન્ચે આ મામલાની સુનાવણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં કરવાનો આદેશ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેરીટલ રેપ એટલે કે પત્નીની ઇચ્છા વિરૃદ્ધ પતિ દ્વારા બળજબરીથી થતા સંભોગને પણ ફોજદારી ગુનો ગણવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ કરવામાં આવી છે. હાઇકોર્ટે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો હતો.અરજદારની રજૂઆત હતી કે કોઇ પુરૃષ સ્ત્રી ની સંમતિ વગર બળજબરીથી તેની સાથે સંભોગ કરે તો તેને દુષ્કર્મ કે બળાત્કાર કહેવાય છે. આ ગુના હેઠળ આકરી સજાની જોગવાઇ ભારતીય કાયદામાં કરવામાં આવી છે. આઇ.પી.સી.(ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ-૩૭૫માં સ્ત્રી ઓ પરના બળાત્કારની વિવિધ વ્યાખ્યા અને સમજૂતી આપવામાં આવી છે. જો કે આ કલમ-૩૭૫માં એક અપવાદ પણ છે. આ અપવાદ પ્રમાણે જો પતિ તેની ૧૫ વર્ષથી વધુની ઉંમરની કાયદેસરની પત્ની સાથે બળજબરીથી સંભોગ કરે તો તેના પર દુષ્કર્મનો કેસ નોંધી શકાય નહીં.
અરજદારની રજૂઆત છે કે અપવાદની આ જોગવાઇ સ્ત્રી ઓને મળતા સમાન હકો અને બંધારણીય વિભાવનાથી વિપરિત છે. મહિલા કોઇની પત્ની હોય તો પણ તેના શરીર પર માત્ર તેનો અધિકાર છે. શારીરિક સંબંધ બાંધવો કે નહીં તે અંગે નિર્ણય કરવાની તેને સ્વતંત્રતા છે. આ ઉપરાંત પત્ની સાથે પતિ મારઝૂડ કરે તો કાયદામાં સજાની જોગવાઇ છે પરંતુ પતિ તેની સાથે બળાત્કાર કરે તો સજાની કોઇ જોગવાઇ નથી. તેથી મેરિટલ રેપને ફોજદારી ગુનો ગણવા કોર્ટે સરકારને જરૃરી નિર્દેશો કરવા જોઇએ.