કોઈ નેતા ધૂંધવાટ, ઘૃણા કે પછી કોઈ સ્વાર્થને કારણે કેટલી હદ સુધી હલકટ થઈ શકે છે તેનું તાજું ઉદાહરણ છે દ્રમુકના સાંસદ એ.રાજાનું એ વાહિયાત નિવેદન કે ભારત કોઈ દેશ જ નથી. તેમના કહેવા પ્રમાણે ભારત એક ઉપમહાદ્વીપ છે, જેમાં તમિલ, મલયાલમ વગેરે અલગ ભાષા અને દેશ છે. તે માત્ર ક્ષેત્રવાદ અને અલગતાવાદને ઉત્તેજન આપવા સુધી જ સીમિત ન રહ્યા. તેમણે જયશ્રી રામનો નારો લગાવનારા લોકોને ધિક્કારતાં તેમને મૂર્ખ ગણાવી દીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે તો રામના શત્રુ છીએ અને ભારતને માતા રૂપે ક્યારેય સ્વીકાર નહીં કરીએ! આ માત્ર ભડકાઉ નિવેદન જ નહીં, એક એવું નફરતી ભાષણ છે, જેના માટે તેમને કઠેરામાં ઊભા કરવા જોઇએ. તેમણે આ ઉશ્કેરણી કરનારું નિવેદન ત્યારે આપ્યું જ્યારે એક દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મંત્રી અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધીની તેમના એ કથન બદલ ઝાટકણી કાઢી હતી, જેમાં તેમણે સનાતન ધર્મને ડેંગ્યુ, મેલેરિયા ગણાવતાં તેને ખતમ કરવાની જરૂર ગણાવી હતી. જ્યારે ઉદયનિધિએ આ બધું કહ્યું હતું ત્યારે જે નેતાઓએ તેમનું સમર્થન કર્યું હતું, તેમાં એ.રાજા પણ સામેલ હતા. એ સહજ રીતે સમજી શકાય છે કે ઉદયનિધિને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી ફટકાર છતાં એ.રાજાને કશી અસર ન થઈ.
એ.રાજા દ્રમુકના સાંસદ માત્ર નથી, તેઓ મનમોહન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ૨-જી કૌભાંડ માટે તેઓ જ જવાબદાર માનવામાં આવે છે. જે કૌભાંડોએ કોંગ્રેસનું વહાણ ડૂબાડવાનું કામ કર્યું, તેમાં ૨-જી કૌભાંડ પણ મુખ્ય હતું. બની શકે કે એ.રાજાએ પોતાના વાહિયાત નિવેદનને કારણે તમિલનાડુમાં કોઈ મોટી રાજકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે, પરંતુ દ્રમુક વિપક્ષી ગઠબંધનનો મુખ્ય ઘટક હોવાને નાતે કોંગ્રેસ અને તેના અન્ય સહયોગી પક્ષો માટે ગળાનું હાડકું બની ગયું છે. કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનના અન્ય ઘટક પક્ષો એ.રાજાના નિવેદનથી અસહમતિ વ્યક્ત કરીને અથવા તો તેમના નિવેદનને તેમના અંગત વિચાર કહીને હાથ ખંખેરી ન શકે. સૌથી પહેલાં તો તેમણે એ જણાવવું પડશે કે જો એ.રાજા ભારતને દેશ નથી માનતા તો પછી એ દેશના નામથી બનાવેલું વિપક્ષી ગઠબંધન બનાવવાની શી જરૂર હતી? આવું પહેલી વાર નથી બન્યું કે તમિલનાડુમાં રાજકીય સ્વાર્થોને કારણે હિંદી કે પછી રામના નામ પર લોકોની ભાવનાઓ ભડકાવવાનું કામ કરવામાં આવ્યું હોય. આ કામ ત્યાં પહેલાં પણ કરાતું રહ્યું છે. એ જ રીતે ત્યાં તમિલ રાષ્ટ્રવાદને પણ ભડકાવવાની કોશિશ કરાતી રહી છે. આ વખતે તો એ.રાજા તમામ હદો પાર કરી ગયા. સુપ્રીમ કોર્ટે તેમના નિવેદનની જાતે જ નોંધ લેવી જોઇએ, કારણ કે આવા વાહિયાત નિવેદનો તો દેશવિરોધી કે પછી અલગતાવાદી સંગઠનોનાં તત્ત્વો જ બોલી શકે. આવાં નિવેદનો દેશની એક્તા અને અખંડતાને ગંભીર નુક્સાન પહોંચાડનારાં છે, તેથી તેને સહન ન જ કરવાં જોઇએ.