સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિર ખાતે આગામી 7થી 15 નવેમ્બર દરમિયાન લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવાનો છે. મહોત્સવની ભવ્ય અને યાદગાર ઉજવણી માટે 900 વીઘા જમીનમાં અલગ અલગ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
7 નવેમ્બરે પોથીયાત્રાથી મહોત્સવનો પ્રારંભ થશે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે 7 નવેમ્બર ગુરુવારના રોજ સવારે 8 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે, જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા કળશયાત્રા સવારે 10:30 કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે, જ્યાં 200 ભૂદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે.
શુકદેવ સ્વામીએ કહ્યું, 900 વીઘા જમીનમાં અહીં વિશાળ આયોજન થવાનું છે. આ મહામહોત્સવમાં 45 વીઘા જમીનની વિશાળ જગ્યામાં પ્રદર્શન વિભાગ ઊભો કરવામાં આવી રહ્યો છે, જ્યાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેકને જીવનની એક નવી દિશા મળશે. બપોરે 12 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. અહીં વિશાળ સભામંડપ પણ ઊભો કરાયો છે, જ્યાં જ્ઞાન વાર્તાઓ થવાની છે. સભામંડપમાં મહોત્સવની રાત્રિએ પણ અવનવાં આયોજન થવાનાં છે. અહીં વિશાળ યજ્ઞમંડપ ઊભો કરવામાં આવ્યો છે. અહીં 9 દિવસ સુધી યજ્ઞ ચાલવાનો છે. આ 9 દિવસીય મહોત્સવમાં 25 લાખ ભક્તો દર્શનાર્થે આવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. વિદેશથી 25 હજાર ભક્તો વડતાલ ખાતે પધારવાના છે.
વડાપ્રધાન અને ગૃહમંત્રીને આમંત્રણ પાઠવાયું વડતાલ મંદિર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અહીં પધારે એવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત ધર્મજગતના તમામ સંતો-મહંતો અને મહામંડલેશ્વરને પણ અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે.
રસોડા વિભાગની વ્યવસ્થાનું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બે લાખ લોકોનું દરરોજ ત્રણ ટાઈમ અહીં જમવાનું બનાવવામાં આવશે. આ ભોજન વ્યવસ્થા માટે 90X250 ફૂટના 10 ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે, જેથી ભોજન વ્યવસ્થા દરમિયાન કોઈને અગવડ ન પડે.
મહોત્સવમાં આવનારા ભક્તોના રહેવા માટે 2500 ટેન્ટ તૈયાર કરાશે મહોત્સવનાં મુખ્ય આકર્ષણો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આધુનિક ટેન્ટસિટી દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા આવેલા દર્શનાર્થીઓને રહેવા માટે અતિઆધુનિક સુવિધા સાથેના 25 હજારથી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવશે છે, જેમાં એ.સી. સુવિધા પણ રાખવામાં આવી છે.
દ્વિશતાબ્દી મહોત્સવ સંપાદિત કરેલ 900 વીઘા જમીન પર ઊજવવામાં આવશે, જેમાં 25 વીઘા જમીન પર વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન યોજાશે છે, જેનો સમય બપોરે 12થી રાત્રિના 10 કલાક સુધીનો રાખવામાં આવે છે. વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર 100 ફૂટ લાંબું અને 35 ફૂટ ઊંચું છે. ઉપરાંત જીવંત કલાકારો દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલરીમાં 190 ફૂટ લાંબું ઘનશ્યામ ચરિત્ર અને 114 ફૂટ લાંબું રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલું છે. ઉપરાંત રંગબેરંગી ફુવારાઓ ભક્તોના મનમોહી લેશે. પ્રદર્શન સ્થળે 685 સ્વયંસેવકો વ્યવસ્થા જાળવશે. આ પ્રદર્શન વિભાગમાં કુલ 73000 બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રદર્શન રાજકોટ ગુરુકુળના દેવકૃષ્ણદાસજી સ્વામીના શિષ્યો વિશ્વસ્વરૂપદાસ સ્વામી, વિવેકસ્વરૂપદાસ સ્વામી તથા બંગાળના 75 કારીગર અને સ્વયંસેવકો છેલ્લા 3 માસથી પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા. આ સાંસ્કૃતિક પ્રદર્શનની અંદર કુલ 8 વિભાગ આવ્યા છે. આ પ્રદર્શનમાં 50 હજાર કરતાં પણ વધારે હરિભક્તો એકસાથે લાભ લઈ શકશે.આ પ્રદર્શનમાં 49540 સ્ક્વેરફૂટમાં 121 કરતાં પણ વધારે વિવિધ ફૂલ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 8 ઉપરાંત જીવંત કલાકારો દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલરીમાં 190 ફૂટ લાંબું શ્રી ઘનશ્યામ ચરિત્ર અને 114ફૂટ લાંબું રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલું છે.
- યજ્ઞશાળા 15 વીઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે, જેમાં 108 કુંડી વિષ્ણુયાગ યોજાવાનો છે. આ વિષ્ણુયાગમાં 3500થી વધુ દંપતીઓ બેસી શકશે.
- ભવ્ય ભોજનશાળા 62 હજાર 500 ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવી છે, જેમાં વી.આઈ.પી., વી.વી.આઈ.પી. તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
- શુદ્ધ પાણી માટે બે આર.ઓ. પ્લાન્ટ કાર્યરત મહોત્સવમાં પધારનારા દરેક હરિભક્તને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે બે આર.ઓ.પ્લાન્ટ કાર્યરત કરાયા છે, જેથી દરેકને ઠંડું અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.
- વિશાળ સભામંડપ હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે એ માટે 2.10 લાખ ચો.ફૂટનો વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો છે, જેની પીઠિકા 30 હજાર ચો.ફૂટની રાખવામાં આવી છે. આ સભામંડપમાં 25 હજારથી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરશે.
9 દિવસ દરમિયાન મહોત્સવમાં મહત્ત્વના કાર્યક્રમોનું શિડ્યૂલ
- 7 નવેમ્બર 7 તારીખે સવારે 11 કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. આ બાદ સવારે 11:45 કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્ય તથા કથાના બન્ને વક્તાઓનું યજમાન પરિવાર દ્વારા પૂજન કરવામાં આવશે.
- 8 નવેમ્બર બીજા દિવસે 8 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
- 9 નવેમ્બર સવારે 5:30 કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે. બપોરે 12થી 3 દરમિયાન મહિલા મંચ યોજાશે. સાંજે 5 કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
- 10 નવેમ્બર સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે 8 કલાકે મંદિર પરિસર ખાતે થશે.
- 11 નવેમ્બર સાંજે 4 કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે 5:30 કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખાયો છે.
- 12 નવેમ્બર સવારે 7થી 10 દરમિયાન અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા. જ્યારે સવારે 9થી 12 દરમિયાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકૂટ ભરવામાં આવશે. બપોરે 3:30થી 7:30 કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે. સાંજે 4 કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યા તિ ભવ્ય જળયાત્રા નીકળશે, જે ફક્ત યજમાનો માટે છે. સાંજના 4 કલાકે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ, મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
- 13 નવેમ્બર સવારે 6 કલાકે લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે 10:30 કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે. સવારે 10 કલાકે વડતાલ મંદિરમાં અન્નકૂટ દર્શન, સાંજે 5:30 કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
- 14 નવેમ્બર સાંજે 5:30 કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાશે.
- 15 નવેમ્બર બપોરે 12 કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે અને સાંજે 6 કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઊજવાશે.