નડિયાદ, વડતાલમાં દર્શનાર્થીની ગાડી સાથે અજાણ્યા બાઈક ચાલકે મોટરસાયકલ અથડાવી અપશબ્દો બોલી ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આણંદ તાલુકાના સારસામાં રહેતા અમીતભાઈ પ્રવિણભાઈ પટેલ કાર લઈ વડતાલમાં દર્શનાર્થે આવ્યા હતા. તેઓએ ત્રણ દરવાજા પાસે રોડની સાઈડમાં ગાડી પાર્ક કરવા ઉભી રાખી હતી. ત્યારે એક મોટરસાયકલ ચાલકે આવી તેની બાઈક ગાડી પાછળ અથડાવી હતી. જેથી અમીતભાઈએ બાઈક ચાલકને ઠપકો આપતા અજાણ્યો બાઈક ચાલક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યો હતો. અમીતભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા બાઈક ચાલક તેમજ અન્ય ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી અમીતભાઈની ફેંટ પકડી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ ઝપાઝપી કરી પહેરેલા ચશ્માં પર મુકકો મારતા ચશ્મો તુટી જતા આંખમાં ઈજાઓ થઈ હતી. જેથી બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવી છોડાવતા ચાર અજાણ્યા શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ અંગે અમીતભાઈ પટેલની ફરિયાદના આધારે વડતાલ પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.