વડોદરા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત: ૪ લોકોના ઘટનાસ્થળે મોત

વડોદરા,

આજે વહેલી સવારે વડોદરા નજીક જરોદ ચોકડી પાસે કાર અને લેલન ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ૪ લોકોના મોત થયા હતા. જ્યારે ૫ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનનો અને હાલમાં સુરતમાં રહેતો પરિવાર પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેને વડોદરા નજીક જરોદ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જરોદ ચોકડી પાસે SUV કાર અને લેલન ટ્રક વચ્ચે અકસ્માત સજાર્યો હતો. અકસ્માતમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૫ લોકો ઇજાગ્રસ્ત થયા છે. એસયુવી કારમાં કુલ ૧૧ લોકો સવાર હતા. જેમાં ૮ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આજે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતની ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. અને રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયા જ્યારે ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની જાહેરાત કરી છે.

વડોદરાના જરોદ પાસે થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે.