વડોદરામાં ભાયલી સામૂહિક દુષ્કર્મની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી, ત્યાં ડભોઇમાં સાવકા પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા આરોપીએ બે-બે વાર સગીરા પર દુષ્કર્મ આચરી ધમકી આપી હતી. આ બાબતે માતા-પુત્રી ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં તો પોલીસે બદનામી થશે એવું કહીને ફરિયાદ ન લીધી અને ન્યાય માટે SPને રજૂઆત કરવી પડી. અહીં પીડિતાએ કહ્યું હતું કે મારી સાથે બે-બેવાર દુષ્કર્મ આચરનાર કાકાને ફાંસીની સજા થવી જોઇએ.
આરોપી 7 વર્ષથી સગીરાના સાવકા પિતા તરીકે રહેતો
ડભોઇમાં શ્રમજીવી પરિવારમાં બનેલી ઘટના અંગે મળતી માહિતી મુજબ સગીરાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તે બાદ સગીરા તેની માતા અને ભાઈ સાથે ડભોઇમાં રહેતી હતી. તેમની સાથે છેલ્લાં સાત વર્ષથી વિધવા માતાના પતિ તરીકે લાલા વસાવા નામનો શખસ રહેતો હતો. માતા મજૂરી કામે જાય ત્યારે લાલા વસાવા પોતાની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને અવારનવાર શારીરિક છેડછાડ કરતો હતો. માતા સાથે પતિ તરીકે રહેતા આરોપી લાલા વસાવાને સગીરા કાકા તરીકે બોલાવતી હતી.
સગીરાને એકલી જોઈ આરોપીએ દુષ્કર્મ આચરી ધમકી આપી
ડભોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ત્રણ માસ પહેલાં સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઇ હતી. તે દરમિયાન હવસખોર લાલા વસાવાએ સગીરાની એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કોઇને આ બાબતની જાણ ન કરવા માટેની ધમકી આપી હતી. તે બાદ આરોપીએ ત્રણ દિવસ પૂર્વે પુનઃ એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને મરજી વિરુદ્ધ ઘરમાંજ દુષ્કર્મ આચર્યું હતું. તે દિવસે પણ આરોપી લાલા વસાવાએ સગીરાને કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી હતી.
સગીરાએ માતા-નાનીને આપવીતી જણાવી
ત્રણ દિવસ પહેલાં કાકાની હવસનો ભોગ બનેલી સગીરા ઘરમાં રડતી હતી. તે દરમિયાન ઘરે આવી પહોંચેલી નાનીએ સગીરાને રડવાનું કારણ પૂછતા તેણે લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે મજૂરી કામેથી પરત ફરેલી સગીરાની માતાએ પણ દીકરીને રડવાનું કારણ પૂછતાં સગીરાએ આરોપી કાકાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બદનામી થવાનું જણાવી ફરિયાદ ન નોંધી
પોતાની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચારનાર પતિ તરીકે રહેતા લાલા વસાવા સામે ફરિયાદ નોંધાવવા માટે માતા સગીરાને લઇને ડભોઇ પોલીસ મથકમાં પહોંચી હતી. પરંતુ ડભોઇ પોલીસે સગીરા અને તેની માતાને સમાજમાં બદનામી થશે તેવી વાત કરી હતી અને ફરિયાદ ન કરવા સમજાવ્યાં હતાં. ઉપરાંત આરોપીને પોલીસ મથકમાં બોલાવી કાયદાની ધમકી આપીને રવાના કરી દીધો હતો, પણ પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી.
ન્યાય માટે પરિવારે SPને રજૂઆત કરી
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની ફરિયાદ ડભોઇ પોલીસે ન દાખલ કરતાં આખરે સગીરા અને તેની માતાએ ગતરોજ (16 ઓક્ટોબર) બુધવારે જિલ્લા પોલીસવડા રોહન આનંદને લેખિત રજૂઆત કરી હતી. એસ.પી. રોહન આનંદે ડભોઇ પોલીસને દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાની ફરિયાદ દાખલ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપતાં આખરે ડભોઇ પોલીસે દુષ્કર્મનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરીને આરોપી લાલા વસાવાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.