
વડોદરા શહેર નજીક આવેલા એક ગામમાં કૌટુંબિક કાકાસસરાએ પુત્રવધૂ પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એ બાદ નંદેસરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી આકાશ ગોહિલના ભાજપના MLA અને MP સાથેના ફોટા વાઇરલ થયા છે, જેમાં આરોપીએ ભાજપનો ખેસ પણ પહેરેલો છે. આરોપી ભાજપના એક ધારાસભ્યના નિકટના હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે મહેસાણા બાદ હવે વડોદરામાં પણ ભાજપના યુવા નેતા પર દુષ્કર્મનો કેસ નોંધાયો છે.
આકાશ ગોહિલને ભાજપમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી
આ અંગે વડોદરા જિલ્લા ભાજપપ્રમુખ સતીશ નિશાળિયાએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા ત્યારે આકાશ ગોહિલ ભાજપમાં જોડાયો હતો. તે ભાજપનો કાર્યકર નથી. આકાશ ગોહિલને ભાજપમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી.

વડોદરાના નજીક આવેલા એક ગામમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ગત તા. 21 સપ્ટેમ્બર 2024ના રોજ મારા પતિ બપોરના આશરે ત્રણેક વાગ્યે તેમના મિત્રના સાળાના મરણમાં હાલોલ ખાતે ગયા હતા અને મારા દિયર અનગઢ ગામે મસાણી માતાએ ચાલતા ગયા હતા. મારાં સાસુ-સસરા ઘરે હાજર હતાં અને રાતના જમી પરવારીને અમારા ઘરની પાછળ આવેલા છાપરાવાળા મકાનમાં ઊંઘી ગયાં હતાં અને હું અમારા ઘરના વચલા રૂમમાં ઊંઘતી હતી, જે રૂમનો દરવાજો નહોતો.

મને મોબાઇલમાં મેસેજ કર્યો હતો કે ‘ઘરે કોઈ છે કે કેમ?
તા. 22 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે 12:30 વાગ્યે કૌટુંબિક કાકાસસરા આકાશ ગોહિલે મને મારા પોતાના મોબાઇલમાં મેસેજ કરી કહ્યું હતું કે ‘ઘરે કોઈ છે કે કેમ? જેથી મેં કહ્યું હતું કે ઘરે કોઈ નથી, ત્યાર બાદ હું બાથરૂમ જવા ઘરની બહાર નીકળી હતી અને બાથરૂમ જઈ આવી પરત ઘરના વચલા રૂમમાં આવીને પલંગ ઉપર બેસીને મોબાઈલ જોતી હતી, એ દરમિયાન આકાશ ગોહિલ અચાનક રૂમમાં બળજબરીથી ઘૂસી આવ્યો હતો અને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેતાં મેં ના પાડી હતી, જેથી તેણે બળજબરી કરી મારી મરજી વિરુદ્ધ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
એ વખતે મારાં સાસુ-સસરા જાગી જશે અને મારી આબરૂ જશે એવા ડરથી મેં બૂમાબૂમ કરી નહોતી. ત્યાર બાદ આકાશે મારો મોબાઇલ લઇ લીધો હતો અને મોબાઇલમાં વ્હોટ્સએપ એપ્લિક્શનમાં તેના નંબરની બધી ચેટ ડિલિટ કરી દીધી હતી અને મને કહ્યું હતું કે આ વાતની કોઈને જાણ કરી તો હું જાનથી મારી નાખીશ, એમ કહી મારા ઘરના પાછળના દરવાજેથી નાસી ગયો હતો.

આકાશે મારી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો
ત્યાર બાદ હું ઘણી જ ડરી ગઈ હોવાથી મેં મારા દિયરને ફોન કરી ઘરે બોલાવી લીધા હતા અને મારા દિયર આવતાં હું મારા ઘરમાં ઊંઘી ગઈ હતી. ત્યાર બાદ આજે સવારમાં આશરે નવેક વાગ્યે મેં મારા પતિને ફોન કરી મારી સાથે રાત્રે બનેલા બનાવની જાણ કરી હતી. ત્યાર બાદ મારા પતિ હાલોલથી ઘરે આવતાં મેં તેમને આકાશે મારી સાથે બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા હોવાની હકીકત કહી હતી. ત્યાર બાદ હું અને મારા પતિ નંદેસરી પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં અને ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે આરોપી આકાશ ગોહિલના ધારાસભ્ય અને સંસદસભ્ય સહિતના ભાજપના નેતાઓ સાથેના ફોટા પણ વાઇરલ થયા છે. એમાં આરોપી આકાશ ગોહિલે ભાજપનો ખેસ પણ પહેરેલો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓ સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
તો બીજી તરફ ચાણસ્મા વિસ્તારમાં એક સગીરા ઉપર થયેલા દુષ્કર્મની ઘટનામાં મહેસાણા જિલ્લાના ભાજપ યુવા મોરચા નેતાની સંડોવણી સામે આી છે. એટલું જ નહીં, શંકર ભૂવાની પૂછપરછ કરતાં ભાજપના યુવા નેતાનાં કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. એ બાદ પોલીસ દ્વારા ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે ધરપકડ કરવામાં આવી છે.