લોહિયાળ ઘટના CCTVમાં કેદ : વડોદરામાં બહેન સાથેના પ્રેમ સંબંધને લઇ બે ભાઈએ મળીને વિદ્યાર્થીને ફટકાર્યો.

વડોદરા શહેરના એમ.જી. રોડ પર આવેલ શામળ બેચરની પોળમાં બહેન સાથેના પ્રેમ પ્રકરણને લઇને બે ભાઈએ મળીને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો અને યુવકને ઢોર માર માર્યો હતો. જેથી યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે સિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

યુવકને ખેંચી બહાર લઇ ગયા
વડોદરાના માંડવી સ્થિત શામળ બેચરજીની પોળમાં ગત રાત્રે 4થી 5 લોકો ધસી આવ્યા હતા અને શામળ બેચરની પોળમાં રહેતા અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લુબારામ રમેશભાઇ પ્રજાપતિને ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં યુવકના પતિ રમેશભાઇ અને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આરોપીઓ બે બાઇક પર આવ્યા હતા અને લોકોના ટોળા એકત્ર થઇ જતાં તેઓ બાઇક પર ભાગી છુટ્યા હતા.સિટી પોલીસના જણાવ્યા પ્રમાણે રાકેશ ચૌધરી અને વિશાલ ચૌધરીની બહેન સાથે લુબારામ પ્રજાપતિને પ્રેમ સંબંધ હતો અને લુબારામે યુવતીને મેસેજ કર્યો હતો. જેથી બંને ભાઇઓ રાત્રે લુબારામના ઘરે પહોંચ્યા હતા અને અદાવત રાખીને હાથમાં પહેરલ કડા વડે ફેંટો મારીને લુબારામને ઇજાગ્રસ્ત કર્યો હતો. જેથી સિટી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

યુવકના પિતા રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું ચોળાફળીની લારી ચલાવુ છું. 4થી 5 શખસો મારા દિકરાને માર મારતા હોવાની ખબર પડતા હું ઘરે પહોંચી ગયો હતો. મારો દીકરો ઇજાગ્રસ્ત હોવાથી તેને હોસ્પિટલ લઇને આવ્યા છીએ.