વડોદરામાં કોરોનાની રસી લીધા બાદ સફાઈકામદારનું મૃત્યુ, પરિવારનો આરોપ

વડોદરામાં એક સફાઈકામદારનું કોરોના વાઇરસની રસી લીધા બાદ કથિત રીતે મૃત્યુ થયું છે.સફાઈકામદારનું મૃત્યુ થતા તેમના સ્વજનો અને પરિવારજનો હૉસ્પિટલ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો અને રસીકરણને કારણે મોત થયું હોવાનો આરોપ મૂક્યો છે. હૉસ્પિટલે આ આરોપ ફગાવી દીધો છે.રસીકરણના ભાગરૂપે વડોદરા શહેરની સયાજી હૉસ્પિટલમાં કોરોના વૉરિયર્સને રસી મૂકવાની કામગીરી ચાલી રહી છે.30 વર્ષીય સફાઈકામદાર જિજ્ઞેશભાઈને સવારે કોરોના વાઇરસની રસી આપવામાં આવી હતી.

મૃતક સફાઈકામદાર જિજ્ઞેશ સોલંકીનાં પત્નીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને વોર્ડ નંબર 9માંથી સીધા રસી મુકાવવા માટે લઈ ગયા હતા. ઘરે આવ્યા ને ન્હાયા પછી ખેંચ જેવું આવતાં તેઓ પડી ગયા હતા.30 વર્ષીય જિજ્ઞેશ સોલંકી વોર્ડ નંબર 9માં સફાઈકામદાર તરીકે નોકરી કરતા હતા.તેમનાં પત્નીના જણાવ્યા અનુસાર જિજ્ઞેશભાઈને સવારે 10-30 વાગ્યા આસપાસ રસી આપવામાં આવી હતી.

હૉસ્પિટલનું શું કહેવું છે?

સફાઈકામદારના મૃત્યુ બાદ મોટી સંખ્યામાં મૃતકના સ્વજનો હૉસ્પિટલ પહોંચ્યા હતા અને કોરોનાની રસીને કારણે મૃત્યુ થયું હોવાનો આરોપ મૂક્યો હતો.ભોગ બનનારના સ્વજને જણાવ્યું કે તેમને કોઈ બીમારી નહોતી, રસીને કારણે જ તેમનું મૃત્યુ થયું છે.

તો એસએસજી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐય્યરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભૂતકાળમાં જિજ્ઞેશભાઈને હૃદય સંબંધિત બીમારી હતી અને તેની કદાચ યોગ્ય સારવાર અને ફોલોઅપ નહીં લીધું હોય એવું અમારું માનવું છે.હૉસ્પિટલનું કહેવું છે કે મૃત્યુનું કારણ પૉસ્ટમાર્ટમ બાદ સામે આવશે.

Don`t copy text!