વડોદરા,વડોદરાના સાધલી-કરજણ રોડ પર જ્વેલર્સના માલિકને આંતરીને લૂંટારાઓએ લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સાધલી ગામે જય અંબે જ્વેલર્સના માલિકને આંતરીને ૪ લૂંટારાઓએ ચાકુ અને તલવાર સાથે લૂંટ ચલાવી અંદાજે અઢી તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. શિનોર પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં અપરાધોની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. વડોદરા જીલ્લાના સાધલી ગામમાં સાધલી-કરજણ રોડ ઉપર રાત્રિના સમયે જય અંબે જ્વેલર્સના માલિક પોતાની દુકાન બંધ કરી કરજણ ઘરે પરત જતા સમયે ચાર લૂંટારાઓએ વેપારીની ગાડીને અકસ્માત કર્યો હતો. લૂંટારાઓએ પત્થરથી વેગન આર ગાડીના કાચ તોડી ચાકુ અને તલવારની ધારે વેપારીની ચેન અને લોકેટ લૂંટ્યા હતા.
અંદાજે અઢી તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટનાની જાણ થતાં શિહોર પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.