ગોધરા, પાવર લિફ્ટર્સ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજીત પાવર લીફ્ટિંગ ચેમ્પિયન્સશિપ સ્પર્ધામાં ગોધરા શહેરની ચાર યુવતીએ મેદાન મારીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તાજેતરમાં જ વડોદરા ખાતે પાવર લિફ્ટર્સ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા વડોદરા ખાતે 7મી વડોદરા જીલ્લા પાવર લીફ્ટિંગ ચેમ્પિયન્સશિપ સ્પર્ધા-2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્ય ગુજરાતના અલગ-અલગ શ્રેણી મુજબ યુવાનો અને યુવતીઓ દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ એકદંત ફિટનેસની ચાર યુવતીઓ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં 56 કિગ્રા શ્રેણીમાં યેશા જયસ્વાલે સિલ્વર મેડલ અને ડો.અપેક્ષા શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 60 કીગ્રા શ્રેણીમાં જીયા ઉદવાણીએ ગોલ્ડ અને 75 કિગ્રા શ્રેણીમાં ભારતી ખત્રીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, ગોધરા શહેરની ચાર યુવતીઓએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરા ખાતે ડંકો વગાડ્યો હતો.