વડોદરાથી મહાકુંભમાં જતી ખાનગી બસનો અકસ્માત:મધ્યપ્રદેશના દેવાસ પાસે દુર્ઘટના સર્જાતા 54 યાત્રાળુમાંથી 6ને ઈજા, ચારને પરત રવાના કરાયા

વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ કુંભમેળામાં જતા 54 યાત્રાળુને ગતરાત્રિના (16 ફેબ્રુઆરી) મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં કંડકટર-ડ્રાઇવર સહિત 6થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. કેટલાક યાત્રાળુઓએ ટ્રાવેલ્સ તરફથી યોગ્ય સુવિધા આપવામાં આવી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગર્ભવતી મહિલાને પણ ઈજા પહોંચી છે. આ દુર્ઘટનામાં ઈજા પહોંચનાર ચાર લોકોને વડોદરા પરત રવાના કરવામાં આવ્યાં છે. હાલ કોઈ જાનહાની ન થયાની માહિતી મળી રહી છે.

મહાકુંભમાં જતી બસને અકસ્માત નડ્યો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ડૂબકી લગાવવા માટે લોકો પહોંચી રહ્યા છે. વડોદરા શહેરમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જઈ રહ્યા છે. ત્યારે, વડોદરાની 54 શ્રદ્ધાળુ ભરેલી એક ખાનગી લકઝરી બસને મધ્યપ્રદેશના દેવાસ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં છ જેટલા યાત્રાળુઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ શ્રધ્ધાળુઓ વડોદરાના તરસાલી વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે યાત્રિક હર્ષ પાઠકે જણાવ્યું હતું કે, અમે વડોદરાથી પ્રયાગરાજ તરફ જઈ રહ્યા હતા. એમપીમાં દેવાસ પાસે અમારી બસનો રાત્રે એક્સિડન્ટ થયો હતો. અમારી બસમાં 54 જણા હતા, તેમાંથી 6ને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેમાં એક અમારી સાથે ગર્ભવતી મહિલા હતી, તેને ઘૂંટણમાં ઈજા થઈ છે.

આ ઘટના બાદ યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે, એક વૃદ્ધ યાત્રીક છે, તેઓને અપર સીટ આપવામાં આવી હતી, તેમણે પણ ઇજા પહોંચી છે. એક કપલ આધેડ દંપતીને પણ ઇજા પહોંચી છે. ટ્રાવેલ્સ તરફથી અમને કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. આ અકસ્માતમાં મોટી જાનહાની થઈ નથી. સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો પૈકી ચાર યાત્રીઓને પરત વડોદરા મોકલવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.