વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બની ધમકી:ત્રણ સ્કૂલમાં ડોગ-બોમ્બ સ્કવોડનું ચેકિંગ, હજી યુનિવર્સિટી બિલ્ડિંગ-ગ્રાઉન્ડની તપાસ ચાલુઃ DYSP

વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે 3.49 વાગ્યે ઇ-મેલ મળતાં સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યો હતો. આ ઇ-મેલને પગલે પોલીસ દ્વારા ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ બસ સહિતનાં વાહનો અને આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયમાં પોલીસને તપાસ દરમિયાન કંઈ મળ્યું નથી.

ત્રણેય સ્કૂલનાં નામ

  1. ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ.
  2. સમા નવરચના સ્કૂલ.
  3. નવરચના વિદ્યાની વિદ્યાલય.

આ મામલે ડીવાયએસપી ચેતના ચૌધરીએ જણાવ્યું હતું કે, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલને ધમકી ભર્યો મેઈલ મળતા સ્થાનિક પોલીસ એલસીબી, ગ્રામ્ય એસઓજી સહિતની ટીમો સ્કૂલમાં પહોંચી ગઈ હતી અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી હતી. પાઇપમાં પણ તપાસ કરવામાં આવી હતી. જો કે, અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ મળ્યું નથી. હજી યુનિવર્સિટી બિલ્ડિંગ અને ગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી રહી છે.

ભાઈલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલએ જણાવ્યું હતું કે, સવારે 4:30 વાગ્યે મેં મારા પ્રિન્સિપલના આઇડી પર મેઈલ જોયો હતો. જેમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી, જેથી મેં તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેથી તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને પોલીસ તુરંત જ આવી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ પહેલા વિદ્યાર્થીઓને મેસેજ કરીને સ્કૂલમાં ન આવવા માટે જણાવી દેવાયું હતું. પોલીસનું ક્લિયરન્સ મળતા જ સ્કૂલ ચાલુ કરી દેવામાં આવશે.

નવરચના યુનિવર્સિટી કેમ્પસની સ્કૂલને સવારથી બંધ કરવામાં આવી હતી, જ્યારે આજ કેમ્પસની કોલેજ ચાલુ હતી. અહીં વિદ્યાર્થીઓ-પ્રોફેસરોની અવરજવર પણ જોવા મળી હતી. જે બાદ 10.40 વાગ્યાની આસપાસ કોલેજના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.

નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થી નેત્ર શાહે જણાવ્યું હતું કે, અહીં બોમ્બની ધમકી મળી હોવાથી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે. અમને કોલેજમાં રજા આપવામાં આવી નથી, જેથી અમને કોલેજમાં જતાં ડર લાગી રહ્યો છે. અમને રજા અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી, તેથી અમે કોલેજમાં આવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસમાં જ નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગ આવેલું છે. તેમ છતાં યુનિવર્સિટી બિલ્ડિંગ હજી ચાલુ છે. જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર પણ જઈ રહ્યા છે.

નવરચના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના વાલી જીતેન્દ્ર પંડયાએ જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કર એપ્લિકેશનના માધ્યમથી અમને ખબર પડી હતી કે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બ મુકાયાની ધમકી મળેલી છે. જોકે, નવરચના યુનિવર્સિટીમાં મારી દીકરી ભણે છે, જેથી તેને મુકવા માટે અમે આવ્યા છીએ. મારી દીકરીને કોલેજમાં મોકલતા ડર લાગે છે. અગાઉ દિલ્હીમાં પણ આજ પ્રકારની ધમકી મળી હતી.

નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં વાહનોનું ચેકિંગ કરીને અને આઇડી કાર્ડ ચેક કરીને જ દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરવામાં આવી રહ્યાં છે. યુનિવર્સિટી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું નથી. યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જઈ રહ્યા છે. માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં બોમ્બની ધમકી મળી ન હોવાથી ખાલી કરાવવામાં આવ્યું નથી. હાલ ત્રણેય સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાયો નથી. વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આચાર્યને મળી હતી. નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલે વહેલી સવારે ઊઠીને ઈમેલ ચેક કરતા તેઓ ચોકી ઊઠ્યા હતા અને તુરંત જ સ્કૂલ સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ પણ નવરચના યુનિવર્સિટી ખાતે પહોંચી ગઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો અંદર ગઈ છે. યુનિવર્સિટીની બહાર પોલીસ કાફલો ખડકાઈ ગયો છે. સ્કૂલ બસોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક એમ્બ્યુલન્સ પણ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ પહોંચી ગઈ છે. બોમ્બની અફવા વચ્ચે પોલીસકર્મીઓ નવરચના યુનિવર્સિટી ગેટ બહાર નાસ્તો કરી રહી હતી. પોલીસને ઘટનાની કોઈ ગંભીરતા ન હોય તે પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.