વડોદરાના ઉદ્યોગપતિની દીકરી વૈભવી જીવન ત્યાગીને અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરશે, MS યુનિ.માંથી B.Scનો અભ્યાસ કર્યો

વડોદરા શહેરના ઉદ્યોગપતિની 46 વર્ષની દીકરી જિગીષાબેન શાહ વૈભવી જીવનશૈલી ત્યાગીને 3 ડિસેમ્બરે અમદાવાદના બોપલમાં દીક્ષા ગ્રહણ કરશે. મુમુક્ષુ દીક્ષાર્થી જિગીષાબેને વડોદરાની એંમ. એસ. યુનિવર્સિટીમાંથી B.Scનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદના આર્કિટેક સાથે લગ્ન કર્યાં હતાં. તેઓના લગ્નજીવનથી બે સંતાનો થયાં હતાં. વર્ષ 2017માં આ બંને સંતાને દીક્ષા ગ્રહણ કરી હતી અને હવે માતા પણ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યાં છે.

અમદાવાદના બોપલમાં જિગીષાબેન દીક્ષા અંગીકાર કરશે વડોદરા શહેરના ઉદ્યોગપતિ અને ફર્નિચરના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા ગિરીશભાઈ શાહના દીકરી જિગીષાબેને એમ. એસ. યુનિવર્સિટીમાંથી B.Scનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અમદાવાદના નામાંકિત આર્કિટેક શૈલભાઈ શાહ સાથે લગ્ન કર્યા છે. લગ્નજીવનથી બે દીકરાનો જન્મ થયો અને બંને દીકરાની દીક્ષા ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજના હસ્તે મુંબઈમાં થઈ છે. તેઓ પ્રવરભૂષણ વિજયજી (સંસારી નામ -પાર્શ્વ) (ઉં.17) અને રત્નભૂષણવિજયજી (ઉં.15) મહારાજ બન્યા છે. બાળપણથી જ ઘરમાં ગૃહચૈત્ય જિનાલય અને જિગીષાબેનના માસી મહારાજ સાધ્વી જિનેન્દ્રજી મહારાજની પ્રેરણાથી ધર્મમાર્ગે આગળ વધી બરાબર આજથી 22 દિવસ પછી એટલે કે, 3 ડિસેમ્બરના દિવસે બોપલ અમદાવાદ ખાતે દીક્ષા અંગીકાર કરશે.

જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, આજે અલકાપુરી જૈન સંઘમાં જિગીષાબેનને પ્રજ્ઞાબેન ગિરીશભાઈ શાહ પરિવાર દ્વારા તથા શ્રી સંઘ દ્વારા અંતિમ સંસારિક વિદાયનો બહુમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈથી વક્તા શાસનભાઈ તથા જૈન સંગીતકાર રિષભ દોશીએ સંયમ જીવનની ગુણગાથા ગાઈ હતી. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ તથા જયેન્દ્ર શાહ તથા જુદા-જુદા જૈન સંઘો, જૈન સોશિયલ ગ્રુપ, સંગિની ગ્રુપ સહિતના લોકોએ મુમુક્ષુ દીક્ષાર્થી જિગીષાબેન શાહને પ્રવજયા ગ્રહણ માટે શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ નિધિ બ્રિજેશભાઈ શાહે સકળ સંઘને અમદાવાદ ખાતે 3 તારીખે દીક્ષામાં પધારવા આમંત્રણ આપ્યું હતું.

જિગીષાબેનના પિતા ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે, અમારા સુસંસ્કારથી અમારી દીકરી 3 ડિસેમ્બરે દીક્ષા લેવા જઈ રહી છે. દીક્ષામાં તે ખૂબ આગળ વધે તેવી અમારી અંતરથી પ્રાર્થના છે. મારી દીકરીનાં બંને સંતાનોએ પણ અગાઉ દીક્ષા લીધી હતી અને તેમની પ્રેરણાથી જ મારી દીકરી હવે દીક્ષા લેવા જઈ રહી છે.