વડોદરાના રાવપુરામાં સતત બીજા દિવસે કાચની બોટલ અને પથ્થરો ફેંકાયા, પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું

વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારમાં કાંકરીચાળાની ઘટનાઓ બની રહી છે. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના જોગી વિઠ્ઠલદાસની પોળમાં આજે સતત બીજા દિવસે કાચની બોટલો ફેંકાતા વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી હતી. રાવપુરાના જોગી વિઠ્ઠલદાસની પોળની ગલીઓમાં કાચની બોટલો ફેંકાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની અથવા કોઈને ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હેલ્મેટ પહેરીને વિસ્તારમાં પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અહીં બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી જોગી વિઠ્ઠલદાસની પોળમાં આજે સતત બીજા દિવસે કાચની બોટલ અને પથ્થર ફેંકાતા સ્થાનિકોમાં ડરનો માહોલ છવાયો છે. વિસ્તારમાં છોકરાઓ રમી રહ્યા હતા. તે દરમિયાન કાચની બોટલો અન્ય વિસ્તારમાંથી આવી હતી. છોકરાઓ બચી ગયા હતા. કાચની બોટલો વિસ્તારમાં ફેંકાતા જ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. કાચની બોટલો ક્યાંથી ફેંકાઈ તે તપાસવા માટે પોલીસે કેટલાક ઘરના ધાબાનું ચેકિંગ કર્યું હતું. મોડી રાત સુધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

DCP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આજે ફરીથી અમને મેસેજ મળતા અમે અહીં પહોંચી ગયા છીએ અને કોમ્બીંગની કાર્યવાહી શરૂ કરી છે. અહીં પોઇન્ટ વધારી દેવામાં આવશે. આ ઉપરાંત ધાબા પોઇન્ટ પણ મૂકવામાં આવશે. જેથી ફરીથી આ પ્રકારની ઘટના ન બને. લોકોને અમે આસ્વસ્ત કરીએ છીએ કે હવે આ પ્રકારની ઘટના અહીં નહીં બને.

સ્થાનિક મહિલા જાગૃતીબેન રાવલે જણાવ્યું હતું કે, જોગીદાસ વિઠ્ઠલની પોળમાં ગઈકાલે પણ બોટલો ફેંકવામાં આવી હતી અને આજે પણ અહીં બોટલો ફેંકવામાં આવી છે. અહીં નાના નાના બાળકો રમતા હોય છે. આ સમયે કેટલાક લોકો બોટલો ફેંકીને સંતાઈ જાય છે. આ લોકો પેલી બાજુ પથ્થર મારે છે અને પોલીસ એ બાજુ જાય એટલે બોટલો આ બાજુ ફેંકે છે.