વડોદરામાં યુવકે ‘મને ઊંઘ આવે છે, આરામ કરીને કોલેજ આવીશ’ કહીને મિત્રના ઘરે જ જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ હજુ પણ અકબંધ

રાજસ્થાનના ઉદયપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મિત્રના ઘરે ઝેરી દવા ગટગટાવી લઇ જીવાદોરી ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઇ હતી. મહિલા મિત્રની બર્થ ડે મનાવવા સાથી મિત્ર સાથે આવેલા ફિઝીયોથેરાપીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પરિવારનો એકનો એક દીકરો હતો. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની માહિતી આપતા વાઘોડિયા પોલીસ મથકના પી.આઇ. પી.આર. જાડેજાએ જણાવ્યું હતું કે, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોરાડા ગામના મુવાડા ફળિયા, વાણીયાવાળામા રહેતો અક્ષય રામજીભાઇ ચૌધરી (ઉ.વ. 19) રાજસ્થાનના ઉદયપુર મેડિકલ કોલેજમાં ફિઝીયોથેરાપીમા અભ્યાસ કરતો હતો. તા. 29ના રોજ અક્ષય તેની મહિલા મિત્રની બર્થડે મનાવવા માટે સાથે અભ્યાસ કરતા અરવલ્લી જિલ્લાના બાયડ ગામના મિત્ર સાથે વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામ પાસે આવેલી અક્ષર રેસીડેન્સીમાં રહેતા મિત્રોના ઘરે આવ્યો હતો.

અક્ષય ચૌધરી અક્ષર રેસીડેન્સીમાં રહેતા તેના બે મિત્રો પૈકી એક મિત્રના ઘરે સૂઇ ગયો હતો. જ્યારે સાથે અભ્યાસ કરતો અને વડોદરા આવેલો બાયડનો યુવાન ગોલ્ડન ચોકડી પાસે રહેતા કુટુંબી ઘરે નાઇટ રોકાણ કરવા માટે આવી ગયો હતો. અક્ષય ચૌધરીએ તેના બીજા મિત્રને જણાવ્યું હતું કે, તારી સાથે સવારે કોલેજમાં આવીશ. મિત્ર સાથે કોલેજ જવા માટે અક્ષય ચૌધરી તૈયાર થઇ મિત્રના ઘરે આવી ગયો હતો પરંતુ, કોઇક કારણસર તેણે મિત્ર સાથે કોલેજ જવાનું ટાળ્યું હતું અને મિત્રને જણાવ્યું કે, મને ઉંઘ આવે છે. આરામ કરી કોલેજ આવીશ. અક્ષયે કોલેજમાં ન આવતાં મિત્ર એકલો કોલેજમાં ગયો હતો.

આ દરમિયાન અક્ષય ચૌધરીએ મિત્રના ઘરમાં ઝેરી દવા ગટગટાવી લઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. કોલેજથી પરત ફરેલા મિત્રએ અક્ષયને પથારીમાં બેભાન અવસ્થામાં જોતાં ચોંકી ઉઠ્યો હતો અને તુરંત જ અન્ય મિત્રોની મદદ લઇ બેભાન અક્ષયને બાઇક ઉપર ધીરજ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. જોકે, ડૉક્ટરોએ પ્રાથમિક તપાસમાં જ મૃત જાહેર કર્યો હતો.

આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરાતા ASI પ્રદિપભાઇ તુરંત જ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસે આપઘાત કરી લેનાર અક્ષય ચૌધરીના પરિવારજનોને આ બનાવની જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. અક્ષય ચૌધરીએ ચોક્કસ ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તે રહસ્ય છે.