
વડોદરાના ચકચારી સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓના રિમાન્ડ પૂરા થતાની સાથે 48 કલાકમાં ચાર્જશીટ રજૂ કરી દેવાની તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આ જધન્ય ઘટનામાં 100 CCTV ફૂટેજ આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વના પુરવાર થયા છે. આજે આરોપીઓને ગોત્રી હોસ્પિટલમાં તબીબી ચકાસણી માટે લઇ જવામાં હતા.
કોર્ટે ગુરુવારે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરા દુષ્કર્મ કેસમાં 3 નરાધમો મુન્ના બનજારા, મુમતાજ બનજારા અને શાહરૂખ બનજારા સહિત 5 આરોપીઓને દાખલારૂપ સજા અપાવવા માટે સરકાર દ્વારા વડોદરાના સિનિયર વકીલ શૈલેષ પટેલ અને સુરતના સરકારી વકીલ નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે. બીજી બાજુ આ કેસના મજબૂત પુરાવા એકઠા કરવા માટે કોર્ટે ગુરુવારે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ પોલીસે આરોપીઓને સાથે રાખી તપાસ ઘનિષ્ઠ બનાવી દીધી છે.
આ ઘટનામાં, ઘટના પૂર્વે અને ઘટના બાદના 100 CCTV ફૂટેજ મહત્વના પુરવાર થયા છે. પોલીસ દ્વારા FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જે એક-બે દિવસમાં આવી જાય તેવી શક્યતા છે. ત્યારે, આ બનાવની તપાસ માટે બનાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા લગભગ ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવી છે. સીટ દ્વારા આરોપીઓના રિમાન્ડ પૂરા થયાના 48 કલાકમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવાની તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ દ્વારા નરાધમો મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા તેમજ સૈફઅલી બનજારા અને અજમલ બનજારાને તા. 14 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે આરોપીઓને તબીબી ચકાસણી માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર ઘટના? વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.
ભાયલી-બીલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની ઘટના બની હતી ત્યાં નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી 5 યુવાન દારૂની મહેફિલ માણતા હતા. આ 5 યુવાને ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલાં સગીરા અને તેના મિત્રને જોયાં હતાં. 5 યુવાન પૈકી 2 યુવાન બાઇક લઇ જતા રહ્યા હતા, જ્યારે નશામાં ચૂર ત્રણ યુવાન સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતાં પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા.
આરોપીઓને જાહેરમાં ફાંસી આપવા માગ સગીરા દુષ્કર્મ કેસ મામલે શહેરમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે હવે વડોદરા શહેર મુસ્લિમ સમાજે પણ બળાત્કારીઓને ફાંસી આપવાની માગ કરી છે. આ મામલે લઘુમતી સમાજે શહેરના તાંદલજા વિસ્તારનાં રનેશ્વર સર્કલ પર ભારે વિરોધ દર્શાવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માગ છે કે આવા લોકોને જાહેરમાં લટકાવી સજા કરવામાં આવે.