
વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે 4 એપ્રિલની રાત્રે ચિક્કાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કારચાલકે 2 ટૂ-વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ઘટનાને પગલે આસપાસથી લોકો એકત્ર થઈ ગયા હતા અને નશામાં ધૂત કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માત બાદ ગાંડા કાઢતાં લોકોએ ફટકાર્યો ગત રાત્રિના સમયે નશાની હાલતમાં ઓફિસથી ફુલ સ્પીડમાં કાર ચલાવીને ઘરે જઈ રહેલાં ગૌરવ મુકેશભાઈ પટેલે વડસર બ્રિજ પાસે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતાં. બાદમાં અન્ય એક કારને પણ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને કારચાલક ગૌરવ કારમાંથી બહાર કાઢ્યો હતો. આ સમયે ગૌરવ પટેલ ફૂલ દારૂના નશાની હાલમાં હોવાથી અને લોકો સામે ગાંડાં કાઢતાં રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસે સ્થળે પહોંચીને આરોપી ગૌરવ પટેલની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે સ્ટેશન લઈ ગઈ હતી છે.

અકસ્માતનો ભોગ બનનાર કારચાલક મિતેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હું ઓફિસની વડસર બ્રિજ પાસેથી ઘરે જઈ રહ્યો હતો. એક કારચાલક નશાની હાલતમાં સ્પીડમાં આવ્યો હતો અને મારી કારની પાછળ ટક્કર મારી હતી. આગળ તે બે વાહનોને ટક્કર મારીને આવ્યો હતો. તે દારૂ પીધેલી હાલતમાં હતો. 2થી 3 લોકોને ઇજા થઈ હતી.
ઇજાગ્રસ્ત જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, હું અને મારા પતિ એક્ટિવા પર જઈ રહ્યા હતાં અને વડસર બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યા હતાં. અમારી પહેલા એક બાઇકચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ અમારી એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં મને અને મારા પતિને વાગ્યું છે. બાદમાં આ કારચાલકે આગળ જઈને એખ કારને ટક્કર મારી હતી. જ્યાં લોકોએ તેને પકડી પાડ્યો હતો. તે ફૂલ પીધેલી હાલતમાં હતો.
અન્ય ઈજાગ્રસ્ત કૌશલ પટેલે જણાવ્યું હતું કે, અમે જ્યુપિટર ચોકડીથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે કારચાલકે અમને પાછળથી ટક્કર મારી હતી. તે નશાની હાલતમાં હતો. મને ખભાના ભાગે ઇજાઓ થઈ છે. ઉલ્લેખનીય છે કે, 13 માર્ચના રોજ રાત્રે કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચોરસિયાએ 8 લોકોને કારની અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ પણ નશામાં ધૂત થઈને કારચાલકો વાહનો ચલાવી રહ્યા છે. ત્યારે કહેવાતી દારૂ બંધી વાળા ગુજરાતમાં નશામાં કારચાલકે અકસ્માત સર્જતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.