વડોદરાના નંદેસરી દામાપુરામાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરતા સયાજી હોસ્પિટલમાં સાસરી અને પિયરપક્ષ વચ્ચે જાહેરમાં મારમારીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેને પગલે હોસ્પિટલનો તાત્કાલિક સારવાર વિભાગ સમરાંગણમાં ફેરવાઇ ગયો હતો. 50થી વધુના ટોળાએ હોસ્પિટલના સ્ટ્રેચર અને કાચનો ખુરદો બોલાવતા રાવપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બંને પક્ષની ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા નજીક આવેલ નંદેસરી દામાપુરામાં રહેતી 23 વર્ષીય પાયલ સોલંકીએ શનિવારે બપોરે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી. તેના પતિ પ્રફુલભાઈ નંદેસરી તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી 108ની મદદે સયાજી હોસ્પિટલમાં આવતા ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી. આ સમયે ગોરવાથી પાયલના પિયરિયા દોડી આવ્યા હતા અને બંને પક્ષના ટોળા વચ્ચે હોસ્પિટલમાં જ ઝપાઝપી અને મારામારી થઇ હતી. મેડિકલ ઓફિસર ડૉક્ટર ગુપ્તાએ રાવપુરા પોલીસ બોલાવતાં બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ટોળાની મારામારીને પગલે તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દીઓને લઈ જવા મૂકેલા સ્ટ્રેચરની તોડફોડ મચાવી અને એક રૂમના કાચ તોડી નાખ્યા હતા. મહિલાનું મૃત્યુ કેવી રીતે થયું? અને તે આપઘાત કરે જ નહીં તેમ પિયર પક્ષનું કહેવું હતું. જેથી, આ મામલો વધુ ગંભીર બન્યો હતો.
દામાપુરા ગામમાં રહેતા મૃતક મહિલાના પતિ પ્રફુલ બાબુબાઇ સોલંકીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી પત્નીએ આપઘાત કરી લેતા તેને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં મારા સસરા સહિત આખો પરિવાર પહોંચ્યો હતો. આ સમયે એકદમ ઉશ્કેરાઇ ગયેલા મારા સાળા આકાશ સોલંકી, સાહીલ સોલંકી, રાકેશ સોલંકી અને મારા સસરા રમેશભાઇ સોલંકી ગંદી ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. મારા ભાઇ ભાવેશની ફેટ પકડીને તેની સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા. મારા સગાંસંબંધીઓ છોડાવવા વચ્ચે પડતા હોસ્પિટલના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો. આ મામલે સાળા આકાશ સોલંકી, સાહીલ સોલંકી, રાકેશ સોલંકી અને મારા સસરા રમેશભાઇ સોલંકી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શનિવારે સવારે જ પાયલ સાસરીમાં આવી હતી
નંદેસરી પોલીસના PSI નીનામાએ જણાવ્યું કે, પાયલ ઘણા સમયથી પિયરમાં રહેતી હતી. પારિવારિક ઝઘડાનો પ્રશ્ન હતો. સાસરીમાં વિધિ હોવાથી તેના જેઠ તેને પિયરમાંથી શનિવારે સવારે 10 વાગે લઈ આવ્યા હતા. ત્યારબાદ ઘટના બની છે. પિયરજનોએ રહસ્યમય મોતની શંકા વ્યક્ત કરી છે.