તુ મારી કંટ્રોલ રૂમમાં વર્ધી કેમ લખાવે છે, તેમ કહીને યુવકને બુટલેગર ભાવુ દરબાર અને આકાશ સહિત 7 લોકોએ મળીને યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી તો બીજી તરફ ફરિયાદી યુવકે એક મહિલાનો હાથ પકડીને બરડાના ભાગે સ્પર્શ કર્યો હતો અને કહ્યું હતું કે, હું પ્રેસમાં છું. તમે દારૂનો ધંધો કરો છો. મારૂ ભરણ આપ. મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બંને કેસમાં 7 આરોપીની ધરપકડ કરી છે અને આરોપી આકાશની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ જયશંકર સોસાયટીમાં રહેતા નૈતિકભાઇ મહેન્દ્રભાઇ પટેલ (ઉ.25)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમે સરસ્વતી ચાર રસ્તા ખાતે આવેલ કિરણ પાનના ગલ્લા પર બેઠા હતા, તે સમયે મને મારી પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ભાવુ દરબાર નામનો વ્યક્તિ બાઇક લઈને આવ્યો છે અને મને કહે છે કે, નૈતિક ક્યાં ગયો છે? જેથી તેને કહ્યું હતું કે, મારા પતિ સરસ્વતી ચાર રસ્તે બેઠા હશે, ત્યારબાદ ભાવુ દરબાર તથા કૌશિક રાજપુત સરસ્વતી ચાર રસ્તા ખાતે આવી મને કહ્યું હતું કે, તું મારી કંટ્રોલ રૂમમાં વર્ધી કેમ લખાવે છે, તેમ કહીને ભાવુ દરબારે મને ગાલ ઉપર એક થપ્પડ મારી દીધી હતી અને કૌશિક રાજપુત મારી સાથે મારામારી ઝગડો કરવા લાગ્યો હતો.
તે વખતે સપના પરમાર, રમિલા પરમાર અને આકાશ ત્યાં નંબર પ્લેટ વગરની થાર ગાડી લઈને આવ્યા હતા. આકાશ ઠાકરડા મારી પાસે આવી મને માર મારવા લાગ્યો હતો અને ગંદી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. રમીલાબેન પરમાર, અજય પરમાર અને દેવ પરમાર મારી સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ કારણોસર ત્યાં ઉભેલા પાર્થ પટેલ અને ઓમ સિંધે આવી મને મારમાંથી છોડાવ્યો હતો. હું ત્યાંથી જતો રહ્યો હતો અને ગભરાઇ ગયો હતો. ત્યારબાદ ભાવુ દરબાર, કૌશિક રાજપૂત, સપના પરમાર, આકાશ, રમીલા પરમાર, અજય પરમાર અને દેવ પરમાર સામે મેં માંજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા એક મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંઘાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નૈતિક પટેલ મારા ઘરે આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તારી મમ્મી ક્યાં ગઈ છે? જેથી મે તેમને જણાવ્યું હતું કે, મારા મમ્મી બહાર ગયા છે. જેથી તેણે મને કહ્યું હતું કે, હું પ્રેસમાં છું. તમે દારૂનો ધંધો કરો છો. મારૂ ભરણ આપ, જેથી મે તેને કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી. ત્યારબાદ તેણે મારો હાથ પકડી લીધો હતો અને મને બરડાના ભાગે સ્પર્શ કર્યો હતો. જેથી મેં તેને કહ્યું હતું કે, તે મારો હાથ કેમ પકડયો અને મને સ્પર્શ કેમ કર્યો? તેમ કહેતા તેણે મને ધમકી આપી હતી કે, તું તથા તારા મમ્મી મને પૈસા નહીં આપો તો બતાવુ છુ? તેમ કહીને જતો રહ્યો હતો.
મારા મમ્મી આવતા મેં તેમને સમગ્ર હકિકત જણાવી હતી અને મારા બનેવીને જાણ કરી હતી, ત્યારબાદ નૈતિક પટેલ સરસ્વતી સર્કલ પાસે ઉભેલાની ખબર પડતા હું ત્યાં ગઇ હતી અને તેણે અમારી સાથે બોલાચાલી ઝગડો કર્યો હતો અને મને બદનામ કરી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. મેં આ મામલે નૈતિક પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.