વડોદરામાં બોટ પલટી, 13 બાળકો, 2 ટીચરનાં મોત : લાઈફ જેકેટ નહોતા પહેર્યા, કેટલાકને બચાવી લેવાયા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

વડોદરા, વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તેમજ હાલ ગઉછઋની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે.

વડોદરાના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાથી જાનહાની થવાથી હું વ્યથિત છું. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.

વડોદરા ફાયર વિભાગ અને ગઉછઋનું સંયુક્ત ઓપરેશન છેલ્લા બે કલાકથી જારી છે. ગઉછઋ અત્યાધુનિ સાધનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓક્સિજનની મદદ લઈ પાણીની અંદર જઈ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે.

આ ઘટનામાં બચાવકાર્ય કરનાર મુકેશે જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે અમે અમારા ગેરેજમાં હતા અને આ લેક અમારી સામે જ છે. એકાએક બે મેડમોએ બુમો પાડી એટલે અમે અહીં દોડતા આવ્યા હતા. ત્યાં મેડમોએ કહ્યું કે, બોટ ઊંધી પડેલી છે. અમે ગ્રીલ કૂદીને અંદર જ કૂદકો માર્યો અને 4 જેવા છોકરાઓને તુરંત જ બહાર કાઢ્યા. એક મેડમ પણ ડૂબતા નજરે પડ્યા હતા. એક છોકરાને તો કાદવમાંથી બહાર કાઢ્યો. આ તમામ શ્ર્વાસ લેતા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમાં આ લોકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. મેડમ બૂમાબૂમ કરતા 4-5 લોકો અમે દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

એક બાળકીની માતાએ રડતાં રડતાં કહ્યું હતું કે, મેં 5 વાગ્યે કીધું તું તો મેડમે કહ્યું કે, અકસ્માત થયો છે, બાળકો જાનવી હોસ્પિટલમાં છે. બાળકોને થોડી-થોડી ઈજા પહોંચી છે. ત્યારે પણ મેડમ જૂઠ્ઠું બોલ્યા. અમે તો 1.5 કલાકથી રાહ જોતા હતા.

વડોદરાના આજવા રોડ ઉપર રહેતી 8 વર્ષ અને બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી નેન્સીની માતા નિરાલીબેન માછીએ જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યે પિકનિક હરણી વોટર પાર્ક અને તળાવ ખાતે પિકનિક લઈ ગયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની ગોઝારી ઘટના અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂં છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરૂં છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, મારી ધ્યાને ન્યૂ સનરાઈઝ સ્કૂલની ઘટના આવી છે. બાળકો અને વાલીઓ શિક્ષકો-સંચાલકો પર સૌથી વધુ ભરોશો મુક્તા હોય છે. કદાચ બોટમાં સંખ્યાથી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હશે. આજની ઘટના ખુબ જ દુખદ છે, અમે દુખ વ્યક્ત કરીએ છીએ. જે માતા-પિતાએ દિપકો ગુમાવ્યા છે તેમણે પરમ કૃપાળુ પરમાત્મા આફતને સહન કરવાની શક્તિ આપી. સાથે જે દિપક બુઝાયા છે તેની આત્માને ભગવાન શાંતિ આપે. આવી ઘટનાઓ ના બનવી જોઈએ.

આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વડોદરામાં જે સમાચાર મળી રહ્યા છે. બોટ પલ્ટી છે એમાં 5થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ છે. ખૂબ જ દુખદ ઘટના છે. ભગવાન આ તમામને શાંતિ આપે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે પરંતુ, સવાલ એ છે કે, પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર જેટલા પણ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દે છે, જે લાઈફ જેકેટ વિના આવી રીતે રાઈડ કરાવતા હોય છે અને નીતિ નિયમોનું પાલન કરતા નથી. તેના કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. કેમ કોઈ ધ્યાન આપતું નથી? મોરબી બ્રિજ દુર્ઘટના, લઠ્ઠાકાંડ હોય કે પછી અન્ય કોઈ દુર્ઘટના હોય. આ પહેલા અમદાવાદમાં પણ બની હતી. એ જ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ફરી પાછો કોન્ટ્રાક્ટ આપવામાં આવે. આ ભાજપનો જૂનો ખેલ રહ્યો છે. મને ખૂબ જ દુ:ખ થાય છે. અત્યારે સરકારને વિનંતી છે કે, આ ઘટનાને તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે, જે પણ જવાબદાર હોય એના વિરૂદ્ધ પગલાં લેવામાં આવે અને દાખલારૂપ સજા કરવામાં આવે. બીજીવાર આવી ઘટના ક્યાય બીજે ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવે અને મૃત્તકો તથા ઈજાગ્રસ્તોને સહાય આપવામાં આવે.