વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્નનો પાર્ટી પ્લોટ બારમાં ફેરવાયો?:ઠંડાં પીણાંની માફક પીરસાતા દારૂનો વીડિયો વાઇરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

વડોદરામાં એક સામાજિક પ્રસંગમાં દારૂની રેલમછેલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. આ વીડિયો કયા સ્થળનો છે એની ઓળખ થઈ શકી ન હોવાનું પોલીસે જણાવ્યું છે અને અલગ અલગ ટીમો તપાસમાં લગાડી છે. તો બીજી તરફ માંજલપુર વિસ્તારમાં એક બિલ્ડરના પુત્રના લગ્નમાં આ દારૂની પાર્ટી થઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે. પોલીસે હાલ વાઇરલ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરી મામલાના મૂળ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે.

શહેરના માંજલપુરમાં બિલ્ડર પુત્રના આયોજિત લગ્નપ્રસંગ માટે બુક કરાવવામા આવેલા પાર્ટી પ્લોટ બારમાં ફેરવાઇ ગયો હોવાની ચર્ચા છે. પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્નપ્રસંગમાં રેડી ટુ ડ્રિંક બોટલમાં મહેમાનોને દારૂ પીરસવામાં આવ્યો હતો, જેમાં સ્કોચ વિસ્કીની બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ છે, જોકે પોલીસે હજી સુધી કોઈ સ્થળની ઓળખ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો.

ઠંડાં પીણાંની માફક દારૂ પીરસવામાં આવ્યો વીડિયો પ્રમાણે ચાર જેટલા ઈસમો મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવતા હોવાનાં દૃશ્યો કેદ થયાં છે. વિદેશી દારૂની 20 જેટલી બોટલોમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી જોવા મળી રહી છે.

DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વીડિયો કઇ જગ્યાનો, ક્યારનો બનાવ છે, ક્યાંનો બનાવ છે, એ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. એની તપાસમાં એલસીબી, પોલીસ મથક તથા અન્ય જવાનોને કામે લગાડવા ટીમ બનાવવામાં આવી છે. વીડિયો વાઇરલ થયો છે, વીડિયો જોતાં જગ્યાનો અંદાજો લગાડી શકાયો નથી, આ કોની જગ્યાએ બનાવ બન્યો છે, એ ઓળખી શકાયું નથી. એ બાબતે હાલમાં વીડિયોના આધારે તપાસ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સીસીટીવી મેળવવામાં આવશે. ત્યાર બાદ વધુ માહિતી મેળવવામાં આવશે. પ્રાથમિક દૃષ્ટિએ કઇ બ્રાન્ડ અને વસ્તુની બોટલો છે એ સ્પષ્ટ થતું નથી. એ જગ્યાએ જઇશું અને મુદ્દામાલ મળશે ત્યારે ખબર પડશે. સંભવિત જગ્યાઓ પર ટીમો મોકલી રહ્યા છીએ