વડોદરામાં આડા સંબંધોની શંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, હત્યારો પતિ પોલીસના સકંજામાં

બે દિવસ પૂર્વે વડોદરાના હરણી ના ખોડિયાર નગર 4 રસ્તા પાસેથી મળેલી મહિલાની લાશના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. શ્રમજીવી મહિલાની તેના પતિ દ્વારાજ આડા સંબંધની શંકાએ પથ્થર મારીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હરણી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

13 મી માર્ચના રોજ 11 વાગ્યાના સુમારે હરણી પોલીસ મથકનો લેન્ડ લાઈન ફોન રણકી ઉઠ્યો. સંદેશો હતો હરણીના ખોડીયાર નગર ચાર રસ્તાના બગીચા પાસે કોઈ મહિલાની લાશ પડી છે તેવો. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલ હરણી પોલીસ લાશ જોયા પછી એ મૂંઝવણમાં હતી કે આ મહિલાનું મોત કુદરતી છે કે અન્ય કોઈ કારણ ??

કોકિલાબેન નામની મૂળ પંચમહાલના શહેરાની 40 વર્ષીય મહિલા મજૂરી કામ કરતી હતી. અને તેના પતિ સાથે રહેતી હતી. શંકાસ્પદ સંજોગોમાં તેની લાશ મળી હોવાથી પોલીસે FSL ની મદદ લીધી તો તેના માથાના તથા ગળાના ભાગે ઇજાના નિશાન દેખાયા. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

વડોદરા પોલીસના ઝોન 4 DCP લખધીરસિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે મહિલાની હત્યા થઈ હોવાનું તો ફલિત થઈ ગયું હતું. પરંતુ કોના દ્વારા અને કેમ હત્યા કરવામાં આવી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી તો શંકાના દાયરામાં 4 શખ્સો આવ્યા જેઓની પૂછપરછ કરવામાં આવી.

જેમાં મૃતક મહિલાના પતિ વજેસિંઘ ડાભીનો પણ સમાવેશ થાય છે. વજેસિંઘ ડાભીની વર્તણુંક અને જવાબો શંકાસ્પદ જણાતા તેની વધુ ઉલટ તપાસ કરતા તે ભાંગી પડયો. કોકિલની હત્યા તેનેજ કરી હોવાની કબૂલાત કરી લીધી, વજેસિંઘ ડાભીને પત્ની કોકિલા સાથે ચારિત્ર્યના મુદ્દે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.આજ રીતે 13 મી માર્ચે પણ બંને વચ્ચે ઝઘડો થયો અને ઉશ્કેરાયેલા પતિ વજેસિંઘે પથ્થરથી માર મારી કોકિલાનું ઢીમ ઢાળી દીધું હતું.

હત્યા કરવા ઉપયોગમાં લેવામાં આવેલ પથ્થર સહિતના પુરાવાઓ એકત્ર કર્યા બાદ પોલીસે વજેસિંઘ ડાભીની ધરપકડ કરી લીધી છે. તેની મદદ માં પરિવારના અન્ય કોઈ સદસ્યો સામેલ હતા કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે હરણી પોલીસ વધુ તપાસ કરી રહી છે.