
28 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેનના વડાપ્રધાનની હાજરીમાં ટાટા એરબસના એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કરવા માટે વડોદરા આવી રહ્યા છે. ત્યારે તેમના નિર્ધારિત રૂટ ઉપર બાજનજર રાખવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા 90 CCTV કેમેરા સજ્જ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના રૂટ ઉપર લગાવવામાં આવેલા આ તમામ કેમેરા કાર્યરત હોવાનું કોર્પોરેશનના IT વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
CCTV ચકાસવાની કામગીરી પણ શરૂ કરી વડોદરામાં ટાટા એરબસના એસેમ્બ્લી યુનિટના લોકાર્પણ પ્રસંગે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા કોર્પોરેશનના IT વિભાગ દ્વારા પણ કાર્યક્રમના સમગ્ર રૂટ ઉપર CCTV લગાવવાની તેમજ લગાવાયેલા CCTV કેમેરા ચકાસવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.
કેમેરાનું મોનિટરિંગ કોર્પોરેશનના CCC પરથી કરાશે વડોદરા કોર્પોરેશનના IT વિભાગના અધિકારી મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાનના લક્ષ્મીવિલાસ પેલેસથી લઈને ટાટા એરક્રાફ્ટ સુધીના માર્ગ સુધી 90 CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે અને આ તમામ CCTV કેમેરા કાર્યરત છે. વડાપ્રધાનના રૂટ ઉપર લગાવવામાં આવેલા આ કેમેરાનું મોનિટરિંગ કોર્પોરેશનના CCC ઉપરથી કરવામાં આવશે.

પોલીસતંત્રના CCTV કેમેરા પણ ચાંપતી નજર રાખશે મળેલી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ રૂટ ઉપર તેમજ એની આસપાસના વિસ્તારોમાં શહેર પોલીસતંત્ર દ્વારા પણ CCTV લગાવવામાં આવેલા છે, જેથી વડોદરા કોર્પોરેશનની સાથે સાથે શહેર પોલીસતંત્રના CCTV કેમેરા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર ચાંપતી નજર રાખશે.
કાલે સાંજે સ્પેનના વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરાશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ તા. 28 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL), જે એક C-295 એરક્રાફ્ટ ફેસિલિટી છે તેનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ. જયશંકર રવિવારે સાંજે વડોદરા આવી જશે અને સાંજે વડોદરા ખાતે આવનાર સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેજનુ એરપોર્ટ પર સ્વાગત કરશે. તેઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે.
કાલે સાંજે આ મહાનુભાવો આવશે ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ, ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સિમાચિહ્નરૂપ છે. વધુમાં, આ કાર્યક્રમ ભારત અને સ્પેન વચ્ચેના સંબંધોને પણ વધુ મજબૂત બનાવે છે. ત્યારે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો સહભાગી થશે.
33 રસ્તાઓ ડાયવર્ટ કરાયા , જાણો વૈકલ્પિક વ્યવસ્થા વડોદરા શહેરમાં દેશના અને સ્પેનના વડાપ્રધાન વડોદરા શહેરની મુલાકાતને પગલે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે, વડોદરા શહેરમાં 27 અને 28 ઓક્ટોબરના રોજ સ્પેન દેશના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરા શહેરની મુલાકાતે છે. ત્યારે આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ કર્યો છે.


