દિવાળીના તહેવાર પૂર્વે શહેરના ચાર બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે ગઈકાલથી દરોડા પાડ્યા છે. જેમાં રત્નમ ગ્રુપ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને શ્રીમયી બિલ્ડર ગ્રુપનો સમાવેશ થાય છે. આ ચારેય ગ્રુપ અને આર્કિટેક્ટને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે. આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોના બેંક એકાઉન્ટો અને બેંક લોકરો સીઝ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જવેરાત અને રોકડ સીઝ કરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. કરોડોનું બિન હિસાબી કાળુ નાણું બહાર આવે તેવી શક્યતા છે.
રત્નમ ગ્રુપના નિવાસસ્થાન, ઓફિસમાં તપાસ મળેલી માહિતી પ્રમાણે શહેરના આ ચારેય બિલ્ડર ગ્રુપોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની અલગ અલગ 20 સ્થળોએ બુધવારે દરોડાની કામગીરી હાથ ધરી હતી. શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ, તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસસ્થાન તેમજ વુડા સર્કલ પાસે આવેલી ઓફિસ સહિત 20 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે.
જમીન ખરીદ-વેચાણના દસ્તાવેજોની તપાસ આ ઉપરાંત સિદ્ધેશ્વર ગ્રુપની હરણી મોટનાથ રોડ, વાઘોડિયા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ચાલતી કનસ્ટ્રક્શન સાઈટોની ઓફિસો, ભાગીદારોની ઓફિસો, નિવાસસ્થાનો સહિત 20 જેટલા સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગ દ્વારા જમીન ખરીદ-વેચાણના દસ્તાવેજો, બેંક વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
150થી વધુ અધિકારીઓ જોડાયા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે બુધવારે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ કામગીરી શરૂ કરી છે. દરોડા દરમિયાન બિલ્ડર ગ્રુપો પાસેથી કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળુ નાણું ઝડપાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આજે બીજા દિવસે પણ આવકવેરા વિભાગની કામગીરી ચાલુ છે.
વ્યાપક પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા જોકે, આ અંગે અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગની હેડ ઓફિસથી માહિતી આપવામાં આવી હતી કે, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ન્યાલકરન (Nyalkaran) અને રત્નમ ગ્રુપ તથા તેની સાથે સંકળાયેલા લોકોને ત્યાં 20 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરીને વ્યાપક પ્રમાણમાં વધાજનક દસ્તાવેજો કબજે કર્યા છે. હાલ દરોડાની કાર્યવાહી ચાલુ છે. દરોડામાં મોટી માત્રામાં કરચોરી હાથ લાગે તેવી શક્યતા છે.