વડોદરા શહેરમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર 20 વર્ષના યુવાને દુષ્ક્રર્મ આચર્યું હતું. જેના પગલે વિદ્યાર્થિની પ્રેગ્નન્ટ થઈ હતી. જેની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસે આરોપીની અટકાયત કરીને કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પીડિતાની માતાએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી મારી દીકરીને પેટમાં દુ:ખતુ હતું અને મારી દીકરી ઉલ્ટી કરતી હોવાથી તેને અમારા ફેમિલી ડોક્ટરને ત્યાં લઈ ગયા હતા અને તેમને ઉલ્ટીની ગોળીઓ આપી હતી. ત્યારબાદ અમે ઘરે આવી ગયા હચા. ડોક્ટરે આપેલી ગોળીઓ ખાધા પછી પણ ઉલ્ટીઓ ઓછી થઇ નહોતી અને તેને પેટમાં પણ ખુબ જ દુ:ખતુ હતું. આ દરમિયાન 10 જુલાઇએ હું મારા બંગલાના કામ કરવા માટે ગઈ હતી અને સાંજે આઠ વાગે ઘરે આવી, ત્યારે મારા સસરાએ મને જણાવ્યું હતું કે, દીકરીએ પેટમાં દુ:ખતુ હોવાથી તેને ગોત્રી જનરલ હોસ્પિટલમાં કેસ કઢાવી દવા લઈ ઘરે લાવ્યા છે અને ડૉક્ટરે બીજા દિવસે બોલાવ્યા છે. જેથી મારા સસરા દીકરીને લઇને ગોત્રી હોસ્પિટલ ગયા હતા.
હું મારા કામ ઉપરથી ઘરે આવી હતી, તે સમયે સાંજે સાડા 7 વાગે મારા સસરાનો મારા ઉપર ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, દીકરીને ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ કરી છે, તમે આવી જાવ, જેથી હું હોસ્પિટલ ગઈ હતી, તો મારી દીકરીને ગોત્રી હોસ્પિટલમાં વોર્ડ.નં-602માં દાખલ કરી હતી અને ડોક્ટરે જણાવ્યું હતું કે, મારી દીકરીને પ્રેગનેન્સી ટેસ્ટ કરતા ગર્ભ રહી ગયેલો હોવાની ખબર પડી છે.
મેં મારી દીકરીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, 3 મહિના પહેલા મારો પ્રથમ દેવજીભાઈ ઓડ (રહે. રંગ અવધુત વુડા હાઉસીંગ, હરીનગર,ગોત્રી, વડોદરા) સાથે મોબાઇલ પર સંપર્ક થયો હતો. તેને મને ફોસલાવી પટાવીને અને બે વખત અલગ-અલગ જગ્યાએ મળવા માટે લઈ ગયેલો હતો. બે મહિના પહેલા તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. જેના કારણે ગર્ભ રહી ગયો છે.
આ અંગે મેં મારા પતિ તથા સસરાને હકીકત જણાવી હતી, જેથી આ પ્રથમ દેવજીભાઈ ઓડ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાવી છે. બે મહિના પહેલા હરીનગર પતંજલી સ્ટોરની બાજુમા આવેલા ગોડાઉનમાં લઈ જઈને પ્રથમે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી પ્રથમ ઓડ ગેંડા સર્કલ પાસે આવેલી દુકાનમાં નોકરી કરે છે.
ગોત્રી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ ટી.એ. દેસાઇએ જણાવ્યું હતં કે, સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે આરોપી પ્રથમ ઓડના કોવિડ રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.