વડોદરાવાસીઓએ હવે ભાજપથી દૂર રહેવું પડશે કહીને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને દૂરથી જ રામ રામ કહીને રસ્તો દેખાડી દીધો

  • વડોદરામાં કુબેર ડિંડોરને પૂરગ્રસ્તે કિટ વિતરણ કરવા પહોંચ્યા હતા

વડોદરા શહેરમાં ત્રણ દિવસની પૂરની સ્થિતિ બાદ ઠેર-ઠેર સ્થાનિક લોકો દ્વારા પક્ષ હોય કે વિરોધપક્ષ, તમામ નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે (૨ સપ્ટેમ્બર) વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અનાજ કિટ વિતરણ કાર્યક્રમ માટે આવ્યા હતા. કાર્યક્રમ સ્થળ પર જાય એ પૂર્વે દંડક બાલકૃષ્ણ શુક્લ અને કાર્યર્ક્તાઓ સાથે બેઠક કરી હતી. જ્યાં બાજુમાં રહેલી સોસાયટીના રહીશોએ આવીને વિરોધ નોંધાયો હતો. જ્યારે સોમનાથ સોસાયટીમાં તેઓ અનાજ કિટ વિતરણ કરવા ગયા હતા ત્યાં એક રહીશે આગળ વધવાનો ઇશારો કરી દીધો હતો. લોકોની વચ્ચે જ મંત્રીને નીચું જોઈને ચાલતી પકડવી પડી હતી.

થોડા દિવસો પહેલાં પડેલાં અતિભારે વરસાદને કારણે ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ વદોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સંપૂર્ણ શહેર જળસમાધિ લીધી હોય એ પ્રકારની સ્થિતિ પરિણમી હતી. બેથી ત્રણ દિવસ પાણીમાં વિતાવ્યા બાદ લોકોમાં તંત્ર પર ભારે રોષ ભભૂક્યો હતો, જે હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. હાલમાં શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં નેતાઓ જાય છે ત્યાં પ્રજાનો જાકારો મળી રહ્યો છે. ત્યારે આજે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર શહેરના વાઘોડિયા રોડ પાસે આવેલી સોસાયટીમાં પાણી ભરાયાં હતાં ત્યાં અનાજ કિટ વિતરણ કરવામાં આવી હતી. ત્યાં જ કેટલાક સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે અમારે કિટની નહીં, પરંતુ પાણીના નિકાલની જરૂરિયાત છે.

આ વચ્ચે જ ભાજપના સ્થાનિક કાર્યકરો અને દંડક દ્વારા વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ દરમિયાન ભાજપના કાર્યકરો સાથે પણ સ્થાનિક લોકોની જીભાજોડી થઈ ગઈ હતી. અહીં એક સ્થાનિકે તો ત્યાં સુધી કહી દીધું હતું કે વર્ષોથી ભાજપ સાથે છીએ, પરંતુ હવે ભાજપથી દૂર રહેવું પડશે.

આ મામલે સ્થાનિક રહેવાસી યોગેશ શેઠે જણાવ્યું હતું કે છ ઇંચ વરસાદ પડે ને એક ફૂટ સુધી પાણી આવી જાય છે, એના માટે અમારે શું કરવું. આનો કોઈ ઉકેલ આવતો નથી. અમે છેલ્લાં પાંચ વર્ષથી હેરાન થઈ રહ્યા છીએ. અમારે અહીં વૉટર લોગિનની સમસ્યા છે, જે સોલ થવી જોઈએ, અમારી બીજી કોઈ રજૂઆત નથી. અમારે કોઈ અનાજની કિટની જરૂર નથી, માત્ર પાણીનો નિકાલ થાય એટલી જરૂર છે.

સહાય નહિ, પાણીના નિકાલની જરૂર છે.રજૂઆત માટે આવેલા સ્થાનિક પારુલબેન ગાંધીએ જણાવ્યું હતું કે વરસાદ આવે ને તરત જ અમારા ઘરમાં પાણી આવે છે. ઘરમાં બે નાની- નાની છોકરી છે અને આનો કંઈક નિકાલ આવે એવું કરો. અમારે અનાજ કિટ સામગ્રીને જરૂર નથી. જેને જરૂર હોય તેને મદદ કરજો, અમારે પાણીનો નિકાલ જોઈએ. દોઢથી બે ફૂટ પાણી વરસાદ આવે તરત જ આવી જાય છે. અમે વલ્લભ વાટિકામાં રહીએ છીએ. અમારે સહાયની જરૂર નથી, પાણીના નિકાલની જરૂર છે.

આ અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં જે લોકોએ ખૂબ જ દુ:ખ ભોગવ્યું છે, તેમના પરિવાર સાથે હું સહાનુભૂતિ રાખું છું. ફરીથી શિક્ષણકાર્ય શરૂ થાય અને સ્કૂલો ધબક્તી થાય એ માટે અમારા શિક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે. આજે હું શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું. જે સ્કૂલો બંધ હતી એ ફરી આપણે શરૂ કરીશું. શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તેમની સાથે મળી જેટલાં પુસ્તકો નાશ પામ્યાં છે, જે-તે એરિયામાં સર્વે કરીને સરકાર તરફથી પુસ્તકો આપીને ફરીથી અભ્યાસ શરૂ થાય એ મુજબ મુખ્યમંત્રીના આદેશ અનુસાર કામગીરી કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્કૂલમાં અને બાળકોનાં પુસ્તકો પાણીમાં પલળ્યાં છે, તેમને નવાં આપવાં પડે છે એ માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. અહીં હું શિક્ષણ બાબતે જોવા આવ્યો છું. અસરગ્રસ્ત વિસ્તારોમાં કિટ અમારા કાર્યર્ક્તાઓ પહોંચાડતા હશે. હું અહીં માત્ર મળવા માટે આવ્યો છું. તેમનો અનુરોધ છે કે બાજુની સોસાયટીમાં પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં છે, તેથી તેમને કિટ આપવા આવ્યો છું. કેલેન્ડર વર્ષની અમે જાહેરાત કરી છે એ પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષકોની ૨૪,૭૦૦ ખાલી જગ્યા પર દિવાળી પહેલાં ભરતી કરવામાં આવશે. જૂના શિક્ષકોની બદલી-બઢતી બાદ નવી જગ્યાઓ બહાર પાડવામાં આવશે. કેજીથી પીજી સુધીમાં જે કંઈ નુક્સાન થયો છે એ અંગેનો સર્વ થયા બાદ સહાય કરીશું.