વડોદરામાં વિશ્ર્વામિત્રી નદીના કારણે પૂર આવતા વડોદરા પાણીમાં ડૂબાઈ ગયું હતું. સમગ્ર શહેરમાં વરસાદે તારાજી સર્જી છે હવે વરસાદી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યાં છે. તો મહાકાય મગરોનો ત્રાસ વધી રહ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અવસર પાર્ટી પ્લોટ પાસે વિશાળકાય મગર દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, વન વિભાગની રેસ્ક્યુ ટીમની ત્રણ ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
વન વિભાગના એક અધિકારીનું કહેવું છે કે અવસર પાર્ટી પ્લોટ પાસે એક મહાકાય મગર આવેલો છે જે કદમાં મોટો હોવાની માહિતી મળી હતી. ઘૂંટણ સુધીના વરસાદના પાણીમાં વન્ય પ્રાણી મગરને ટીમની ત્રણ કલાકની ભારે જહેમત બાદ મહાકાય ૧૦ ફૂટના મગરનું સહી સલામત રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
આવી જ બીજી ઘટના વડોદરામાં કામનાથનગર રોડ પર બની હતી જ્યાં ૧૫ ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. જેનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લવાયો હતો. કામનાથ નગર ઘરમાં પાણી ઊતરતા મગર જોવા મળ્યો હતો. મગરના રેસ્ક્યૂની કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓએ સાથે મળીને કરી હતી.
માહિતી મુજબ હાલમાં શહેરમાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થતાં વિશ્ર્વામિત્ર નદીનું જળસ્તર ઘટી રહ્યું છે, ત્યારે મગર માનવ વસ્તી તરફ જઈ રહ્યા છે. વર્ષ ૧૯૬૦માં વિશ્ર્વામિત્રી નદીમાં ૫૦ મગરો હતા. આજે વિશ્ર્વામિત્રી નદીમાં ૪૪૧ જેટલા મગરો વસવાટ કરે છે.
વન્યજીવ સુરક્ષા કાયદો, ૧૯૭૨ અંતર્ગત મગર શેડયૂલ-૧નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. આથી એની વિઝિબિલિટી ૬૦થી ૭૦ ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતાં તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. આઈયુસીએન સ્ટેટસમાં તે લુપ્ત થવાના આરે છે.