ગોધરા,આગામી 22 મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે રામ મંદિર માટે વડોદરા થી અયોધ્યા સુધી 1100 કિલોનો દીવો જનાર છે. ત્યારે આજરોજ વડોદરાથી આવેલ દીવાનું ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે. ત્યારે વડોદરામાં રહેતા એક ખેડૂતે 1100 કિલો વજન અને 09.15 ફૂટ ઊંચાઈ ધરાવતો દીવો તેમણે રામ મંદિર માટે તૈયાર કરાવ્યો છે. ત્યારે આજરોજ ગોધરાના વિશ્ર્વકર્મા ચોક ખાતે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓએ વડોદરા થી આવેલા 1100 કિલોના દીવાનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા ગોધરા શહેરના ચિત્રા સીનેમા રોડ, પાંજરાપોળ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ ચાર રસ્તા ખાતે વિવિધ સમાજના આગેવાનો દ્વારા દીવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા.
વડોદરા શહેર માંથી આવેલા 1100 કિલોની દીવાની શોભાયાત્રામાં પંચમહાલ જીલ્લા પોલીસના ડીવાયએસપી પી.આર. રાઠોડ તથા એલસીબી પીઆઇ એન.એલ.દેસાઈ, એસ.ઓ.જી.પીઆઈ આર.એ.પટેલ સહિતના પોલીસ કર્મીઓ શોભાયાત્રાના મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત બંદોબસ્ત સાથે પોતાની ફરજ નિભાવી હતી.