વડોદરા શહેરમાં ૧૦ દિવસ માટે પાણીપુરી પર પ્રતિબંધ લાગ્યો

વડોદરા : હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ  પર 10 દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે, બાદમાં આ નિર્ણય પર વિવાદ થયા વડોદરા કોર્પોરેશને પોતાનો નિર્ણય બદલ્યો હતો. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જે સ્થળો પર પાણીપુરીનું વેચાણ થઇ રહ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આજે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અગાઉ 2018માં પણ વીએમસી દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય બાદ રાજ્યના મોટા શહેરોમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું. 

પહેલા પ્રતિબંધનો નિર્ણય લીધા બાદ હવે વડોદરા કોર્પોરેશને તેને ફેરવી તોળ્યો છે. વડોદરા કોર્પોરેશને પાણીપુરી વેચાણ પર પ્રતિબંધને યુ-ટર્ન લીધો છે. કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે ખુલાસો કરતા જણાવ્યું કે, શહેરમાં સંપૂર્ણરીતે પાણીપુરી વેચાણ પર પ્રતિબંધ નથી. અનહાઈજેનિક કન્ડીશન રાખતા પાણીપુરી વેચનારા લોકોની લારી બંધ કરાવીશું. કોર્પોરેશનની સતત ડ્રાઇવ ચાલુ રહેશે. જે હાઈજેનિક કન્ડીશન રાખી રહ્યા છે તેવો પાણીપુરી વેચી શકશે. પાણીજન્ય રોગચાળો વકરતાં કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. આખા શહેરમાં પાણીપુરી વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી.  

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં જણાવ્યા મુજબ, 80 ટકા રોગો પાણીજન્ય હોય છે. વિવિધ દેશોમાં પીવાનું પાણી WHOનાં ધારાધોરણોને અનુસરતું નથી. 3.1 ટકા મૃત્યુ ગંદા અને નબળી ગુણવત્તા ધરાવતાં પાણીને કારણે થાય છે. ભારતમાં વર્ષે એક લાખથી વધારે લોકોનું મૃત્યુ પાણીજન્ય રોગોને કારણે થાય છે. વર્લ્ડ રિસોર્સીસ રિપોર્ટ જણાવે છે કે, ભારતનાં પાણીનાં પુરવઠાનો આશરે 70 ટકા હિસ્સો ગટરનાં પ્રદૂષકો સાથે અતિ પ્રદૂષિત છે. સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ મુજબ, ભારતનાં પાણીની ગુણવત્તા નબળી છે – પોતાનાં નાગરિકોને ઉપલબ્ધ પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાનાં 122 દેશોમાં ભારતનું સ્થાન 120મું છે.