વડોદરાના ભાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર ત્રણેય આરોપીને આજે (8 ઓક્ટોબર) સવારે વડોદરા ગ્રામ્ય મામલતદાર સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરાયા હતાં. જે બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માગવા માટે રજૂ કરવામાં આવ્યા હતાં. આ તપાસ માટે બનાવવામાં આવેલી SIT દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે તારીખ 10મી સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન કોર્ટમાં હાજર લોકોએ બેફામ અપશબ્દો બોલી આરોપીઓ સાથે ટપલી દાવ કર્યો હતો. પોલીસને હવસખોરોને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવા ફીણ વળી ગયું હતું.
આ ઘટનાને લઈ ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્શન પટેલે જણાવ્યું હતું કે, પોલીસની કામગીરી પ્રશંસનીય છે. હજુ આ નરાધમોની જાહેરમાં સર્વિસ કરવાની જરૂર છે, જેથી વિકૃતિ ધરાવતા લોકો આ જોઈને આવું કરવાની હિંમત ન કરે.
નરાધમોને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં લવાયા
ગેંગરેપના આરોપીઓ એવા મુમતાજ ઉર્ફ આફતાબ સૂબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરુખ કિસ્મતઅલી બનજારા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસવાનમાં લાવવામાં આવ્યા હતા. હવસખોરો ઉપર કોઇ હુમલો ન કરે તે માટે પોલીસ દ્વારા કોર્ડન કરીને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવતા વકીલો અને કોર્ટમાં આવેલા અસીલોનાં ટોળાં એકઠાં થઇ ગયાં હતાં.
આજે જિલ્લા પોલીસે ત્રણેય આરોપીઓનો કબજો લઇ કોઠી કચેરી સ્થિત ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઇ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પીડિતાને મામલતદારની ચેમ્બરમાં બનાવવામાં આવેલી વિશેષ જગ્યાએ રાખવામાં આવી હતી. જ્યાં ત્રણેય હવસખોરોના એક પછી એક બુરખા ઉતારી મામલતદાર ચેમ્બરમાં છુપાવીને ઊભી કરવામાં આવેલી પીડિતાને બતાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પીડિતાએ તમામ આરોપીને ઓળખી બતાવ્યા હતા. લગભગ એક કલાક જેટલા સમયમાં ઓળખ પરેડ પૂરી થઇ ગયા બાદ આરોપીઓને તાલુકા પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા હતા. જે બાદ આરોપીઓને બુરખા વગર જ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યાં છે.
તારીખ 4 ઓક્ટોબર, 2024ના રોજ બીજા નોરતે ભાયલી બિલ રોડ ઉપર સગીરા અને તેનો મિત્ર બેઠા હતાં. તે દરમિયાન ત્રણ હવસખોરોએ સગીરાના મિત્રને પકડી રાખી એકબાદ એકે સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ત્રણેય નરાધમો મુમતાજ ઉર્ફ આફતાબ સૂબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરુખ કિસ્મતઅલી બનજારાની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.