વડોદરા રેલવે પોલીસે માત્ર બે મહિનામાં દોઢસો જેટલા ગુમ લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું

વડોદરા : પોલીસનું કામ માત્ર ગુનાખોરી ડામવાનું નથી હોતું પણ સામાજિક કામ પણ હોય છે તે સાર્થક કર્યું છે વડોદરા રેલવે ડિવિઝન પોલીસે. રેલવે પોલીસે છેલ્લા બે માસમાં 90થી વધુ બાળકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. રેલવે પોલીસ ખરા અર્થમાં સિંઘમ બની છે. 

દેશના વિવિધ રાજ્યો, શહેરોમાંથી બાળકો કે પુખ્ત વયના મહિલા પુરુષો ઘરેથી ભાગી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રેનનો સહારો લે છે. નાના બાળકોને તેમના માતા કે પિતા કોઈ કામ બાબતે ઠપકો આપતાં ઘરેથી ભાગી જાય છે, જ્યારે પુખ્ત વયનાં મહિલા પુરુષો ઘર કંકાસના કારણે ઘર છોડીને નીકળી જાય છે. ત્યારે આવા લોકો ટ્રેનનો વધુ ઉપયોગ કરે છે. રેલવે પોલીસે આવા ગુમશુદા અને ઘરેથી નીકળી ગયેલા લોકોને શોધવા માટેનું એક ખાસ અભિયાન ચલાવ્યું છે. પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના નવા પોલીસ વડા તરીકે સરોજ કુમારી આવ્યા બાદથી રેલવે પોલીસ અને શી ટીમ વધુ સતર્ક બની છે. 

આ વિશે રેલવે પોલીસ વડા સરોજ કુમારીએ જણાવ્યુ કે, રેલવે પોલીસ અને શી ટીમના મહિલા જવાનો ટ્રેનમાં, પ્લેટફોર્મ પર કે રેલવે સ્ટેશનના અન્ય વિસ્તારમાં એકલા બાળકો, વ્યક્તિઓને શોધી પૂછપરછ કરે છે. તેઓ ક્યાં જાય છે અને ક્યાંથી ટ્રેનમાં બેઠા તે માહિતી પણ મેળવે છે અને જો પોલીસને શંકા જાય તો તેવા બાળક કે વ્યક્તિને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જવાય છે. જ્યાં તેમના પરિવારની માહિતી મેળવી પરિવારને જાણ કરી આવા લોકોનો પરિવાર સાથે મિલાપ કરાવે છે. રેલવે પોલીસે ડિવિઝનના 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા બે માસમાં 90થી વધુ બાળકો સહિત કુલ 147 લોકોને શોધી કાઢ્યા છે. પોલીસ બાળકોને ટ્રેન કે પ્લેટફોર્મ પરથી શોધી તેમના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે મિલાપ કરાવે છે. સાથે જ માતા પિતાનું કાઉન્સેલિંગ કરી બાળકની કઈ રીતે કાળજી લેવી તેની સમજ પણ આપે છે.

રેલવે પોલીસે ઓગસ્ટ મહિનામાં 77 અને સપ્ટેમ્બર માસમાં 70 લોકોને શોધી કાઢ્યા છે. રેલવે પોલીસ વડા સરોજ કુમારીએ કહ્યું, એક મુંબઈની 9 વર્ષની બાળકીને તેની માતાએ હોમવર્ક બાબતે ઠપકો આપતાં તે બાળકી ઘરેથી નીકળી ટ્રેનમાં બેસી ભરૂચ આવી, જ્યાં શી ટીમે બાળકીને જોઈ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી. જેમાં રેલવે પોલીસે બાળકીના માતા પિતાનો સંપર્ક કરી બાળકીને પરિવારને સોંપી…આવી જ રીતે કેટલાક બાળકો ગેમ રમવા બાબતે, મોબાઈલ બાબતે પણ જીદ પૂરી ન થતાં ઘર છોડી દે છે તેવા પણ કિસ્સા સામે આવ્યા..

મહત્વની વાત છે કે વડોદરા રેલવે પોલીસે છેલ્લા બે માસમાં 90થી વધુ બાળકોને શોધી પરિવાર સાથે મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરી છે. રેલવે પોલીસ ગુનાખોરી ડામવા ઉપરાંત પોતાની સામાજિક જવાબદારી પણ અદા કરી રહી છે, જેના કારણે અનેક માસૂમ બાળકોની જિંદગી બરબાદ થતા બચી રહી છે.