
વડોદરાના ભાયલી ગામમાં પ્લાસ્ટીકના કેરેટની આડમાં ટેમ્પોમાં મોટર સાઇકલના પાયલોટીંગ સાથે બિશ્નોઇ ગેંગનો લાવવામાં આવી રહેલો રૂપિયા 7 લાખના દારુનો જથ્થો તાલુકા પોલીસે ઝડપી મોટર સાઇકલ ચાલક સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો છે. તાલુકા પોલીસની ટીમ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતી.દરમિયાન તાલુકા પોલીસની ટીમને માહિતી મળી હતી કે, દારુ લઇને એક આઇસર ટેમ્પો રાયપુરા થઇ ભાયલી ગામ તરફ જવાનો છે.
આ ટેમ્પોનું મોટર સાઇકલ દ્વારા પાયલોટીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી રાયપુરા ચોકડીથી ભાયલી સુધીના રસ્તા ઉપર વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન એક મોટર સાઇકલ ઉપર બે વ્યક્તિઓ આવી રહ્યા હતા. જોકે, બાઇક સવાર પોલીસને જોતાજ બાઇક ઉપરથી ઉતરી ફરાર થઇ ગયો હતો. જ્યારે બાઇક ચાલક અંપાડ ગામની સીમમાં ખેતરમાં રહેતા સુરેન્દ્ર ગણપતરામ બિશ્નોઇ ( મૂળ રહે. ફુલાસર ગામ, કોલાયત, જિ. બિકાનેર)ને ઝડપી પાડ્યો હતો. અને તેને સાથે રાખી દારુ લવાતા ટેમ્પોને ઝડપી પાડ્યો હતો.
જોકે, ટેમ્પો ચાલક પણ પોલીસને થાપ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારુ ભરેલા ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટીકના ખાલી કેરેટની આડમાં રૂપિયા 7 લાખની કિંમતનો 190 પેટી ભારતીય બનાવટનો દારુ મળી આવ્યો હતો.દારુ, ટેમ્પો, 150 પ્લાસ્ટીકના કેરેટ, પાયલોટીંગમાં ઉપયોગમાં લેવામાં આવેલી બાઇક મળી કુલ્લે રૂપિયા 10,20,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 31 ડિસેમ્બર પૂર્વે અનેક જિલ્લામાં આ રીતે દારૂની ખેપ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.