વરસાદના કારણે દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગુજરાતમાં. વડોદરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. આવા લોકોમાં ભારતની સ્ટાર ક્રિકેટર રાધા યાદવ પણ સામેલ છે. ભારતીય ક્રિકેટરે પોતે માહિતી આપી છે કે એનડીઆરએફએ તેને સુરક્ષિત રાખી છે.
લેટ આર્મ સ્પિનર રાધા યાદવે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આ વીડિયો સાથે લખ્યું, ‘અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ઘેરાયેલા હતા. અમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે એનડીઆરએફનો ખૂબ ખૂબ આભાર. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એપાર્ટમેન્ટ પાણીથી ઘેરાયેલા છે. કાર અને અન્ય વાહનો પાણીમાં ડૂબી ગયા છે. એનડીઆરએફની ટીમ બોટની મદદથી લોકોને બચાવી રહી છે. ૨૪ વર્ષની રાધા યાદવ ભારતના સ્ટાર સ્પિનરોમાં સામેલ છે. તેણીએ ભારત માટે ૮૦ ટી ૨૦ અને ૪ વનડે મેચ રમી છે. તેણે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૯૦ વિકેટ લીધી છે. રાધા ડબ્લ્યુપીએલમાં દિલ્હી કેપિટલ્સ મહિલા ટીમ તરફથી રમે છે. તે ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સની મહિલા ટીમ માટે રમી ચુકી છે.
આ પહેલા ઈરફાન પઠાણે પણ બરોડામાં પૂરની સ્થિતિ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ઈરફાન પઠાણે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. બરોડામાં પણ એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં લઈ જઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.