વડોદરાના તરસાલીના યુવકનો વ્યાજના વિષચક્રમાં ફસાઈને આપઘાત

વડોદરા,

વ્યાજના વિષચક્રમાં ફસાઇને વડોદરા જિલ્લાના તરસાલીના યુવકે આપઘાત કર્યો છે તેણે પોતાની સ્યૂસાઇડ નોટમાં પોલીસને ઉદ્દેશીને લખ્યું છે કે મે પુલિસવાલો કો રિક્વેસ્ટ કરતા હું કી અક્ષય જેસે લોગો કો માફ મત કરના. મૃતક મૃતક નિશાંત સિંહે અક્ષય નામના વ્યાજખોર પાસેથી ૧૫ ટકાના વ્યાજે ૨૦ હજાર ઉછીના લીધા હતા અને વ્યાજખોર અક્ષયને ૫૦૦૦ ચૂકવી દીધા હતા. બાકીના રૂપિયા માટે અક્ષય પઠાણી ઉઘરાણી કરતો હતો.

તરસાલીની બાલાજી રેસિડન્સીમાં રહેતા નિશાંત સિંહ નામના યુવાને આપઘાત ચિઠ્ઠીમાં લખ્યું હતું કે , મે પુલિસવાલો કો રિક્વેસ્ટ કરતા હું કી અક્ષય જેસે લોગો કો માફ મત કરના. આ ઘટનામાં મકરપુરા પોલીસે સ્યુસાઇડ નોટના આધારે વ્યાજખોરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા માટેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ વ્યાજ ખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત વડોદરા શહેર-જિલ્લા પોલીસ દ્વારા બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણમાંથી બચાવવા નાગરિકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બેંક લોનના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તે સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વ્યાજખોરો માટે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. વ્યાજખોરીનું દૂષણ ચલાવનારાઓ ગુજરાત બહાર જતા રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આ અભિયાન હેઠળ અત્યાર સુધી ત્રણ હજાર જેટલા પરિવારોને ન તો માત્ર વ્યાજખોરીના વિષચક્રમાંથી બચાવી લેવાયા છે, પરંતુ તેને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી બેંકમાંથી લોન અપાવી પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે.

મહત્વનું છે કે, અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત વડોદરા પોલીસે ત્રણ હજારથી વધારે પરિવારોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવ્યા છે અને તેમને બેંકો પાસેથી લોન મંજૂર કરાવી તેમની મદદ પણ કરી છે. વ્યાજખોરીના ગુનામાં શહેર પોલીસે પચાસ એફ.આઈ.આર. નોંધી છે, પાંચ આરોપીઓને તો પાસા હેઠળ શહેર-જિલ્લા બહાર ધકેલી દેવાયા છે. અભિયાન અંતર્ગત શહેર પોલીસ દ્વારા એક મહિનામાં ૩૬ અને જિલ્લા પોલીસ દ્વારા ૩૫ લોક દરબાર યોજાયા છે.