વડોદરા, લોક્સભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે.તમામ પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. બીજી તરફ વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે.
ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે, જો કે વિધાનસભા અયક્ષ શંકર ચૌધરીએ હજુ સુધી આ રાજીનામું સ્વીકાર્યું નથી.રાજીનામામાં કેતન ઇનામદારે લખ્યુ છે કે અંતર-આત્માને માન આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. એટલે કે સીધેસીધી રીતે પત્રમાં કોઇ આંતરિક વિખવાદ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
કેતન ઇનામદાર જ્યારે ગાંધીનગર આવતા હતા, ત્યારે અનેક મંત્રીઓને પોતાના વિસ્તારના કામની રજૂઆત કરતા હતા.જો કે જે કામ થવા જોઇએ તે થતા ન હોવાથી કેતન ઇનામદારમાં નારાજગી જોવા મળતી હતી.કેતન ઇનામદારની છાપ તેમના વિસ્તારમાં એક દબંગ નેતા તરીકેની છે, તેઓ પોતાના લોકો માટે કાર્યર્ક્તાઓ માટે કામ કરતા જોવા મળ્યા છે.
સાવલી વિસ્તારના મોટા મોટા પ્રશ્ર્નોને અત્યાર સુધી કેતન ઇનામદારે ઉપાડેલા છે. ખેડૂતોને લગતા મુદ્દાઓ, ખેડૂતોની વાત, તેમના વિસ્તારમાં વીજળીની વાત સહિતના મુદ્દાઓ તેમણે ઉઠાવેલા છે.જો કે આ વખતે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતા પણ પરિણામ ન આવતા આંતરિક વિખવાદ થયો હોવાની માહિતી છે.
જો કે હજુ સુધી કેતન ઇનામદારનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ નથી. બીજી તરફ જે રીતે જ્યોતિ પંડ્યાએ પોતાના બાગી સૂર બતાવ્યા છે અને હવે કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે, જે એ જ બતાવી રહ્યુ છે કે ભાજપમાં અસંતોષ ચરમસીમાએ છે.જેના કારણે જ ભાજપના નેતાઓ એક પછી એક એક્શન લેતા જોવા મળી રહ્યા છે.