વડોદરાના મેયર નિલેશ રાઠોડને બદનામ કરતી પત્રિકા વાયરલ કરવાના કેસમાં કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. મિત્ર મેયર બની જતા કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયાએ ઈર્ષામાં કાવતરું રચ્યુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાજપે આ મુદ્દે મોટું એક્શન લીધું છે.
ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે અલ્પેશ લિંબાચીયાની ધરપકડ કરી છે. અલ્પેશ લિંબાચીયા હાલમાં ભાજપના કોર્પોરેટર છે. તેઓ કોર્પોરેશનમાં શાસક પક્ષના પૂર્વ નેતા પણ રહી ચૂક્યા છે. ભાજપના કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાએ જ મેયરને બદનામ કરતી પત્રિકા બનાવી હોવાની આશંકા છે. 8 જુલાઈએ પત્રિકાકાંડનો ખેલ રચાયો હોવાની પોલીસને આશંકા છે.
મહત્વનું છે કે મેયરને બદનામ કરતી પત્રિકાકાંડમાં વડોદરા પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. જેમાં પોલીસે અલ્પેશ લિંબાચીયાની તરસાલી રોડ પર આવેલી ઓફિસમાંથી લેપટોપ અને પ્રિન્ટર કબજે કર્યા હતા. આ બંને વસ્તુઓને પોલીસે તપાસ માટે FSL માં મોકલી આપી છે. આ પ્રિન્ટરમાંથી 250થી વધારે પ્રિન્ટ આઉટ નીકળી હોવાની શક્યતા છે.
તપાસમાં સામે આવ્યું છે કે, મેયર નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચીયા 25 વર્ષ જૂના મિત્રો છે. બંને અગાઉ એક જ વોર્ડમાંથી કોર્પોરેટર હતા. જોકે નિલેશ રાઠોડ મેયર બની ગયા અને અલ્પેશ લિંબાચીયા રહી જતાં તેમને ઈર્ષા થઈ હતી. જેના કારણે મેયર અને જૂના મિત્રને બદનામ કરવા પત્રિકાકાંડ કર્યો. આ સિવાય નિલેશ રાઠોડ હવે માંજલપુર બેઠક પર પણ ધારાસભ્ય બનવા માટે મજબૂત દાવેદાર છે. જેના કારણે અલ્પેશને પોતાના રાજકીય ભવિષ્યની ચિંતા હતી. કેમ કે અલ્પેશને પણ માંજલપુર બેઠક પરથી ધારાસભ્ય બનવું છે. જોકે નિલેશ રાઠોડ પોતાને નડી શકે તેમ અલ્પેશને લાગ્યું હતું. આ સિવાય રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નિલેશ રાઠોડે અલ્પેશ લિંબાચીયાનો નાણાંનો મોટો વહીવટ બગાડતાં તે નારાજ હતા.